લોધીકાના પીપરડી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.50 લાખની ચોરી

લોધીકા તાલુકાના પીપરડી ગામે એક શ્રમિક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 1,50,200 ની મતાની ચોરી જતા…

લોધીકા તાલુકાના પીપરડી ગામે એક શ્રમિક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 1,50,200 ની મતાની ચોરી જતા આ મામલે લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, પીપરડી ગામે રહેતા અને રાજકોટના મવડી ખાતે આવેલ શ્રીહરિ ટ્રેડર્સમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ. 40)નામના શ્રમિકે આ અંગે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ ગત તારીખ 31 મે ના રોજ રાત્રિના સમયે ફરિયાદી પ્રવિણભાઇ, તેમના બાળકો અને માતા ઘરની અગાસી પર સુવા ગયા હતા. તેમના પત્ની સોનલબેન નીચે ઘરમાં મોડે સુધી સિવણ કામ કરી રહ્યા હતા.

સિવણ કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી પાડોશમાં રહેતા પિતાજીના ઘરની સીડીએથી અગાસી પર સુવા ગયા હતા. દરમિયાન મધ્યરાત્રિના 12:30 થી વહેલી સવારના 4:30 વાગ્યાના સમયગાળા વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરના મુખ્ય રૂૂમનો દરવાજો અને તાળું તોડી અંદર રાખેલ બેડરૂૂમના કબાટની તિજોરી માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.1.50 લાખની મતા ચોરી ગયા હતા. વહેલી સવારે સાડા ચાર વાગ્યે જ્યારે પ્રવિણભાઇ નીચે આવ્યા ત્યારે ઘરના રૂૂમનો દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલી હાલતમાં જમીન પર પડેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતા કબાટ વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. લોધીકા પોલીસે ફરિયાદીની પ્રવિણભાઇની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *