કોઠારિયા રોડ ઉપર કલાસીસના શિક્ષકે ધો.9ના છાત્રને પીવીસીના પાઇપથી ફટકાર્યો

રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ પટેલ ક્લાસીસમાં અભ્યાસ કરતા ધોરણ-10ના 15 વર્ષીય વિદ્યાર્થી તન્મય હરસોરાને ક્લાસીસના શિક્ષક તુષાર રાયચુરા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની…

રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ પટેલ ક્લાસીસમાં અભ્યાસ કરતા ધોરણ-10ના 15 વર્ષીય વિદ્યાર્થી તન્મય હરસોરાને ક્લાસીસના શિક્ષક તુષાર રાયચુરા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ વિદ્યાર્થીના પિતા દ્વારા કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂત સમક્ષ કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, ક્લાસ દરમિયાન બ્રેકના સમયે વિદ્યાર્થી દ્વારા કુરકુરે ખાવાની નજીવી બાબતને લઈને શિક્ષકે વિદ્યાર્થીને ગાલ પર અનેક ફડાકા માર્યા હતા તેમજ પીવીસીના પાઇપ વડે હાથ અને શરીરના પાછળના ભાગે માર મારતા વિદ્યાર્થીને ઇજાઓ પહોંચી હોવાનું વાલીનું કહેવું છે. વાલીનો આક્ષેપ છે કે શિક્ષકે વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે શરીરના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને હાલ વિદ્યાર્થીને સામાન્ય રીતે બેસવામાં પણ તકલીફ પડી રહી છે.

આ મામલે વિદ્યાર્થીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક અત્યાચારના વધતા બનાવો સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે હોય છે, નહીં કે ભય અને હિંસાનું વાતાવરણ ઉભું કરવા માટે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમજ પીડિત વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પણ તંત્ર દ્વારા જરૂૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *