સોની બજારમાં તસ્કરોનો તરખાટ, રોકડ ન મળી તો પૈસા ગણવાના મશીન ઉપાડી ગયા

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. આ ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ…

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. આ ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપીને સકંજામાં લઇ લીધા હતા. શહેરના નવા નાકા રોડ પર મારુતિ પ્લાઝાની સામે આવેલી અમિત જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકેલા અજાણ્યા ચોર ઈસમોએ લાકડાના દરવાજાના પાંચ જેટલા મજબૂત તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગત સોમવારની રાત્રિના 9:00 વાગ્યાથી મંગળવારની વહેલી સવારના 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને અંદર લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી, જેથી તેમની ઓળખ છુપાવી શકાય.

આ ઘટના અંગેની વિગતો મુજબ, ફરિયાદી મનિશભાઈ રમણભાઈ રાણપરા (ઉ.વ. 57) સોમવારે રાત્રે તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે પડોશી વેપારી રમેશભાઈએ તાળા તૂટ્યા હોવાની જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મનિશભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે દુકાનમાંથી અંદાજે ₹50,000 ની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો ગાયબ હતા. આ બાબતે તેમણે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 305(ફ) અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે અહીં આવેલી જવેલર્સમાં મોટી રકમ પડી હતી પરંતુ તે રકમ ચોરી ન શકતા મશીનની ચોરી કરી હતી.

એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ. એન. જેઠવાએ આ કેસની પ્રાથમિક વિગતો નોંધી છે, જ્યારે આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સત્યજીતસિંહ મહેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે. સોની બજાર જેવા ભરચક અને વેપારી વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી આ ચોરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હાલ આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ત્રણ આરોપીને સકંજામાં લીધા હતા. તેઓની પુછપરછમાં મુખ્ય સુત્રધાર મુંબઇનો હોવાનું અને તેની સાથે એક સાગ્રીત હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *