જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ પરમાર નામના બુઝુર્ગે ઢીચડા રોડ પર એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતા સાગરભાઇ અનિલભાઈ હમીરપરા નામના 35 વર્ષના યુવાને રાજપાર્ક વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા દિપક પીઠાભાઈ ચાવડા નામના યુવાને પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગરમાં લિંડી બજાર નજીક મણિયાર શેરીમાં રહેતા યુસુફભાઈ અબ્દુલભાઈ નામના વેપારીએ પોતાની દુકાનના ખૂણા પાસે પાર્ક કરેલું પોતાનું બર્ગમેન મોટરસાયકલ કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રહેતા યોગેશ વિનોદભાઈ પાટડીયા નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
યૂવાન પર ચાર શખ્સોનો હુમલો
જામનગરમાં નાગનાથ ગઈટ વિસ્તારમાં મહેશ્વરી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગિરધર દેવાભાઈ મકવાણા નામના 23 વર્ષના મહેશ્વરી મેઘવાર યુવાને પોતાના માથા ઉપર તેમજ હાથમાં લાકડી-ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કિશન રબારી, ધમભા જાડેજા, ધનરાજ ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાને હાથમાં અને માથામાં ઇજા થઈ હોવાના કારણે લોહી નીતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે, અને તેના માથામાં અનેક ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી ના જૂથ વચ્ચે આજથી એક વર્ષ પહેલા તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.
