ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ આઈસીસી રેન્કિંગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ધમાલ મચાવી હતી. હવે તેને આઈસીસી રેન્કિંગમાં આનો ફાયદો થયો છે.
સ્મૃતિ મંધાનાએ આઈસીસી મહિલા ટી20 રેન્કિંગમાં પોતાનો પરચમ લહેરાવ્યો છે. તે ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. મંધાનાને 1 નંબરનો ફાયદો થયો છે. તે 753 પોઈન્ટની સાથે બીજા સ્થાને પહોંચી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ખેલાડી બેથ મૂની પ્રથમ સ્થાન પર છે.
મહિલા ટી-20 રેન્કિંગમાં બેથ મૂની 757 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. સ્મૃતિ મંધાના બીજા સ્થાને અને હેલી મેથ્યુસ ત્રીજા સ્થાને છે. તે 748 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે તાહલિયા મેકગ્રા 748 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. લૌરા વોલ્વાર્ડ 736 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણેય મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. પ્રથમ મેચમાં તેણે 54 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં આ ખેલાડીએ 62 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં મંધાનાના બેટમાંથી 77 રન નીકળ્યા હતા. ટી-20માં ધૂમ મચાવ્યા બાદ સ્મૃતિ મંધાનાએ પણ ઓડીઆઈ શ્રેણીની પ્રથમ મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી રમાયેલી 7 ટેસ્ટ મેચોમાં 629 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. અત્યાર સુધીમાં 92 ઓડીઆઈ મેચોમાં આ બેટ્સમેને 45.38ની એવરેજથી 3903 રન બનાવ્યા છે, જેમાં 9 સદી ઉપરાંત 28 અડધી સદી પણ પોતાના નામે કરી છે. 148 ટી-20 મેચોમાં આ ખેલાડીએ 29.38ની એવરેજથી 3761 રન બનાવ્યા છે.