ત્રાપજ ગામના ઓવરબ્રિજ પાસે એક અઠવાડીયા પહેલા રોડ પર પાર્ક થયેલા ડમ્પર સાથે એપલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતા જે તે સમયે છ પ્રવાસીઓના મોત થયા હતા જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો, જ્યારે 17થી વધુ લોકોને ઇંજા પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા છ વર્ષની બાળકી રીનાને તેમજ તેના માતાને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા ગઇકાલે રીના બારૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, ત્રાપજના ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 8 થયો છે. ઉલ્લેખનીય છે કે, તા.17ના રોજ સવારે ત્રાપજ ગામના ઓવર બ્રિજ પાસે રીતી ભરેલુ ડમ્પર બંધ થઇ જતાં તેના ડ્રાઇવરે ડમ્પર રોડ પર જ પાર્ક કરી દીધું હતું અને તે ઘરે જતો રહ્યો હતો જ્યારે સવારે છ વાગે સુરતથી ઉના તરફ જઇ રહેલી એપલ ટ્રાવેલ્સની લક્ઝરી આ બંધ ડમ્પર સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા છ પ્રવાસીઓના મોત થયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયેલા જેમાં ગંભીર રીતે ઘવાયેલી રીના બારૈયા નામની છ વર્ષની માસુમ બાળકીની છેલ્લા છ દિવસથી સારવાર ચાલી રહી હતી. રીનાને પગના થાભાના ભાગે, પંજા પર તેમજ આંગળીઓ પર ગંભીર ઇંજા પહોંચી હતી અને તેનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ બીપી સતત ઘટી રહ્યું હોવાના કારણે ઓપરેશનમાં સમસ્યા સર્જાઇ રહી હતી તો લોહી પણ ગંઠાઇ જતા અને લોહી જાડુ થઇ જતાં તેના બ્લડ સરક્યુલેશનમાં પણ સમસ્યા ઉભી થઇ હતી અને ગઇકાલે હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું બાળકીના મામાએ જણાવ્યું હતું. અગાઉ આ અકસ્માતમાં ખુશી નામની બાળકીનું મોત થયા બાદ તેની નાની બહેન રીનાનું પણ મોત થતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે.
અકસ્માતમાં કલ્પેશભાઇ બારૈયા તેમના પત્નિ અને ત્રણ બાળકીને ઇંજા પહોંચી હતી. અકસ્માતના દિવસે કલ્પેશભાઇની મોટી દિકરી ખુશીનું મોત થયું હતું અને ગઇકાલે રાત્રે દિકરી રીનાનું મોત થતાં પરિવારજનોમાં ગમગની ફેલાઇ છે. નજીકના સબંધીઓના જણાવ્યા પ્રમાણે કલ્પેશભાઇના પત્નિ નીમુબહેન પ્રેગનેન્ટ છે અને અકસ્માતના કારણે તેમના ગર્ભમાં રહેલા બાળકની હાલત પણ નાજુક છે. તબિબોના જણાવ્યા પ્રમાણે અકસ્માતના કારણે બાળકનો વિકાસ અટકી ગયો છે. આજે ગાઇનેકોલોજીસ્ટની ટીમ તપાસ કરીને ગર્ભમાં રહેલા બાળક બાબતે નિર્ણય લેશે.રાજકોટ: પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનું આયોજન, 95100 દંડ વસુલવામાં આવ્યો આવ્યો
