– રૂ. 13.61 લાખનો મુદ્દામાલ કબજે: એલસીબી પોલીસને સફળતા –
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમય પૂર્વે સમયાંતરે વીજપોલના એલ્યુમિનિયમ વાયરની ચોરી થયાના બનાવો સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયા હતા. આ પ્રકરણમાં એલસીબી પોલીસે ભુજ તાલુકામાં રહેતા છ શખ્સોને દબોચી લીધા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા 13.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ભાગોમાં વિવિધ પવનચક્કી કંપનીઓ કાર્યરત છે. જેના કારણે ઉત્પાદિત થતી વીજળીને વીજ સ્ટેશન સુધી લઈ જવાતા આંતરિયાળ વિસ્તારોમાં વીજ પોલ લગાવી અને ઇલેક્ટ્રીક વાયર ફીટ કરવામાં આવે છે. આવા નિર્જન સ્થળેથી કેટલાક શખ્સો એલ્યુમિનિયમની વાયરની ચોરી કરીને લઈ જતા હોવાના બનાવો બને છે. જેના કારણે જે-તે કંપનીને મહત્તમ પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવું પડે છે.
આ વચ્ચે થોડા સમય પૂર્વે ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારમાં ઈલેક્ટ્રીક વીજપોલના કિંમતી એલ્યુમિનિયમ વાયરોની ચોરીના બનાવો પોલીસ દફતરે નોંધાયા હતા. આ મુદ્દે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. કાંબલીયાની ટીમ દ્વારા આવા શખ્સોને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં તાજેતરમાં એલસીબીની ટીમ દ્વારા હાલ નવરાત્રીને અનુલક્ષીને હાથ ધરવામાં આવેલા બંદોબસ્ત અને પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. અશ્વિનભાઈ પટેલ, જગદીશભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કુરંગા ગામના બ્રિજ પાસેથી પસાર થતી એક બોલેરો પિકઅપ વાનમાં એલ્યુમિનિયમ ઇલેક્ટ્રીક વાયર લઈને નીકળેલા શખ્સો તેમજ અન્ય એક મારુતિ સ્વિફ્ટ મોટરકારમાં નીકળેલા કુલ છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને ઝડપાયેલા પૂછપરછ કરતા એલ્યુમિનિયમ વીજ વાયરની ચોરી અંગેની સિલસિલાબંધ વીગતો પ્રકાશમાં આવી હતી.
પોલીસની પૂછતાછમાં કચ્છ જિલ્લાના ભુજ ખાતે રહેતા ગફુર મોહમ્મદ નોતીયાર, ફકીરમામદ સિદ્દીકમામદ મેમણ, ઇમરાન ઉર્ફે ઇબલો ટાવર ઇશાક કુંભાર, ફિરોજ ઇશાક કુંભાર, મુસ્તાક ઉરસ નોટિયાલા અને ખમીસા ઉર્ફે અભો યાકુબ મમણ નામના છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા રૂ. 6,47,500 ની કિંમતના 1,850 કિલો એલ્યુમિનિયમ જેવી ધાતુના વાયર, રૂપિયા ચાર લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર, રૂ. ત્રણ લાખની કિંમતની બોલેરો પિકઅપ વાન, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 13,61,020 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
જેમાં વધુ વિગત મુજબ ઝડપાયેલા આરોપી ગફૂર સામે ભુજમાં ચોરી સહિતના જુદા જુદા આઠ ગુનાઓ, ઇમરાન ઇશાક સામે છ ગુનાઓ, ફકીરમામદ સિદ્દીક સામે છ ગુનાઓ અને મુસ્તાક ઉરસ સામે ભુજ અને વલસાડ જિલ્લામાં ત્રણ ગુનાઓ નોંધાયા છે.
આરોપી શખ્સો અગાઉથી જે સ્થળોએ પવનચક્કીથી ઈલેક્ટ્રીક સ્ટેશન સુધી લઈ જવા માટે ઈલેક્ટ્રીક વીજળીના પોલ નાખવાની કામગીરી ચાલી રહી હોય, તે સ્થળે જ્યાં ઇલેક્ટ્રીક જોડાણ આપવામાં ન આવ્યું હોય તેવા સ્થળને ટાર્ગેટ કરી, પાયલોટિંગ વોચર્સની ગાડી સાથે બોલેરો પિકઅપ ગાડી લઈ જઈ અને જે સમયે અહીં ગાર્ડની અવરજવર ન હોય તેવા સમયે કટરની મદદથી આવા વાયર કાપીને પોતાના વાહનમાં ચોરી કરીને લઈ જઈ, નક્કી કરેલા લોકોને વેચી મારવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારમાં બનેલા વાયર ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ખુલવા પામ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, વી.એન. સિંગરખીયા, એસ.વી. કાંબલીયા, અશ્વિન પટેલ, જગદીશ કરમુર, પ્રદિપસિંહ, પીઠાભાઈ, પ્રકાશભાઈ અને વિશ્વદિપસિંહની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
