સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!

જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે…

જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે અંદર જ પુરાઈ રહેવું પડ્યું હતું. બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતાં પકડાઈ જવાના અને લોકોના મારના ડરથી ફફડી ગયેલા ચોરોએ આખરે પોતાનો જીવ બચાવવા માટે સામેથી જ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી!

ઘટનાની વિગતો અનુસાર, 19 ઓગસ્ટ મંગળવારની સાંજે 7.30 વાગ્યે સંજાણ બજારમાં આવેલા ’બી.જે. જ્વેલર્સ’ શોરૂૂમના માલિક દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જે બાદ મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે બે અજાણ્યા તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરો જે સમયે શટર કાપી રહ્યાં હતા ત્યારે કટરનો અવાજ આવતાં જ સામે રહેતા નિખિલભાઈ જાગી ગયા હતા. તેમણે તાત્કાલિક દુકાનમાલિકના મિત્ર આકાશભાઈને જાણ કરી હતી, જેમણે જ્વેલર્સના માલિક મનીષ શર્માને ઘટના અંગે માહિતગાર કર્યા હતા.

માહિતી મળતાં જ મનીષ શર્મા તેમના ભાઈ નિરજ સાથે તુરંત દુકાને દોડી આવ્યા હતા. આ દરમિયાન આસપાસના રહીશો પણ એકઠા થઈ ગયા હતા. શટર અડધું ખુલેલું જોઈને તપાસ કરતાં અંદર બે ચોર હોવાની ખાતરી થઈ હતી. આથી સ્થાનિકોએ ભારે સમયસૂચકતા વાપરીને ચતુરાઈપૂર્વક બહારથી શટર બંધ કરી દીધું હતું અને બંને તસ્કરોને દુકાનમાં જ કેદ કરી દીધા હતા. દુકાનમાં પુરાયેલા ચોરોને બહાર મોટું ટોળું ભેગું થયું હોવાનો ખ્યાલ આવતાં જ તેઓ ગભરાઈ ગયા હતા અને બચવા માટે પોતે જ 112 પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી.

ઘટનાની જાણ થતાં જ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી ઉમરગામ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે શટર ખોલીને બંને ચોરોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, ચોરીના સાધનો, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *