રાજકોટમાં ચાંદી ભાવ પોણા ચાર લાખને પાર… સોનામાં પણ 2500 વધતા ભાવ 1,65,700 પર પહોંચ્યો
સપ્તાહની શરૂઆત થતાની સાથે જ ચાંદીમાં ભાવ વધારાનું તોફાન સર્જાયું છે. આજે ચાંદીમાં 20 હજારનો ભાવ વધારો નોંધાયો છે. આજે ચાંદીમાં એક જ દિવસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. સોનામાં પણ તોતીંગ વધારો નોંધાયો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પણ રૂા.2500નો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનુ 5000 ડોલરની સપાટીને પાર કરી ગયું છે.
છેલ્લા એક મહીનામાં જ ચાંદીમાં 130000નો વધારો નોંધાયો છે. વૈશ્ર્વિક પરિસ્થિતી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના બયાનને કારણે સોના-ચાંદીની બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ એકતરફી તેજીને કારણે સોના-ચાંદીના ભાવ ભડકે બળી રહ્યા છે. આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ રૂા.354780 પરની ઐતિહાસીક સપાટી પર પહોંચી ગયો છે. જયારે સોનુ પણ એમસીએકસ પર 158375 પર પહોંચી ગયું છે. છેલ્લા બે મહીનામાં સોનામાં પણ 30000નો વધારો નોંધાયો છે.
આજે રાજકોટની હાજર બજારના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ 375500 સુધી પહોંચી ગયો છે. એટલે કે ચાંદી પોણા ચાર લાખે પહોંચી છે. જયારે સોનાનો ભાવ 165710 સુધી પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે ભારતીય બજાર બંધ રહી ત્યારે 4980 ડોલર સુધી સોનું પહોંચ્યું હતું. જે આજે 5075 ડોલર પર પહોંચી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં સોનામાં 250 ડોલરનો ઉછાળો આવ્યો છે. ચાંદીમાં પણ શનિવારે ઉછાળો આવ્યો હતો અને ચાંદી 100 ડોલરને પાર કરી દીધો હતો. હાલ ચાંદી 110 ડોલર પર પહોંચી છે. ડોલર પણ આજે 92 રૂપિયા સુધી પહોંચ્યો છે.
