બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં ટેક્નિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી થોડા સમય માટે પુલ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સમયસર સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની ન હતી.

મળતી માહિતી મુજબ, અંદાજે રૂૂ. 960 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુ પર સ્થાપિત સોલાર પેનલના એક યુનિટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે પેનલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તે સમયે પુલ પર વાહનોની અવરજવર નિયમિત રીતે ચાલુ હતી. ધુમાડો દેખાતા કેટલાક વાહનચાલકોએ સાવચેતી રાખી હતી અને ઘટનાની જાણ સંબંધિત તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી.

સુદર્શન સેતુ ધાર્મિક અને પ્રવાસન દૃષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીંથી અવરજવર કરે છે. આવી સ્થિતિમાં સોલાર પેનલમાં સર્જાયેલી ખામીએ સેતુ પરની ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની સલામતી અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ આવી ઘટનાઓને હળવાશથી લેવાને બદલે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *