અંજાર તાલુકાના વરસામેડીમાં અરિહંત નગરની પાછળ આવેલી નર્મદા કેનાલમાંથી રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ નામના યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી.
પરપ્રાંતીય એવા આ યુવાનની હત્યાને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. વરસામેડીમાં ગુજરાત કોલોની સામે ગુરુકૃપા સોસાયટીમાં ભાડાંનાં મકાનમાં રહેતા અને વેલસ્પન કંપનીના ડી.આઇ. પાઇપ પ્લાન્ટમાં નોકરી કરતા રાહુલકુમારની આજે સવારે લાશ મળી આવી હતી. બે દીકરીના પિતા એવા આ યુવાનની નોકરી સવારથી સાંજ સુધીમાં હતી, જ્યારે તેમના પત્ની એવા બનાવના ફરિયાદી પૂજાબેન પણ વેલસ્પનમાં કામ કરે છે, જેની નોકરીનો સમય બપોરથી રાત્રે 11 વાગ્યાનો છે. આ મહિલાએ નિત્યક્રમ મુજબ રાત્રે 8 વાગ્યે પોતાના પતિને ફોન કર્યો હતો, ત્યારે આ યુવાન પોતે બજારમાં સામાન લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં મહિલા રાત્રે ઘરે જતાં તેનો પતિ ઘરે પરત ફર્યો ન હતો, જેથી ફરિયાદીએ પોતાના પતિને વારંવાર ફોન કરતાં ફોન સતત બંધ આવતો હતો. આજે સવારે જાગીને પરત ફોન કરતાં ત્યારે પણ મોબાઇલ બંધ આવતો હતો. બનાવ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વરસામેડી અરિહંત નગરની પાછળ આવેલ નર્મદા કેનાલમાં એક લાશ તરતી હોવાની જાણ રાહદારીએ કરતાં પોલીસ ત્યાં દોડી ગઇ હતી. પોલીસ ત્યાં પહોંચતાં લાશ ડૂબી ગઇ હતી. દરમ્યાન ફાયર બ્રિગેડના તરવૈયાઓને બોલાવી રાહુલની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ યુવાનના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા હોવાથી પોલીસે વધુ છાનબીન હાથ ધરી હતી.
કેનાલ પાસે આવેલી બાવળની ઝાડીમાં લોહીના ડાઘા મળ્યા હતા, જેથી કોઇ શખ્સે આ યુવાનની હત્યા નીપજાવી તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનું સ્પષ્ટ થયું હતું. અજાણ્યા આ યુવાનની ઓળખ માટે દોડધામ કરાતાં ગઇકાલ રાતથી ઘરે ન પહોંચેલા રાહુલકુમાર ગૌડની આ લાશ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. બે બાળકીના પિતા એવા આ યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે અંજાર પી.આઇ. એ. આર. ગોહિલનો સંપર્ક કરાતાં બનાવ અંગે જુદી- જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું.