નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો
ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો ઉપર ગેમઝોન અગ્નિકાંડે પાણી ફેરવી દીધું
રાજકોટમાં રાજકિય પીઠબળનો લાભ લઇ અનેક ગેરકાયદેસર બાંધકામો થઇ ગયા છે. તેમજ ધમધમી રહ્યા છે. પરંતુ ટીઆરપી ગેમઝનો અગ્નિકાંડ બાદ કોર્પોરેશનમાં ભલામણોનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો હોય આજે નાણાવટી ચોક તરફ જતા 150 ફૂટ રીંગ રોડ પર કોર્પોરેટરના મળતીયા દ્વારા ખડકવામાં આવેલ છ માળના બિલ્ડીંગનું આજે ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા ડિમોલીશન કરાતા રાજકિય પીઠબળ ધરાવતા ગેરકાયદેસર બાંધકામો કરતા ઇસમોમા ખળભળાટ મચી ગયો છે.
લાભદીપ સોસાયટી ભગવતી ડેરીફાર્મ રામાપીર ચોકથી નાણાવટી ચોક તરફ જતા 150 ફૂટ રીંગ રોડ પર ભાવીકભાઇ પટેલ દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-260(1) મુજબની તા.28/3ના રોજ નોટીસ પાઠવવામાં આવેલ તેમજ તા.25/3ના રોજ હિયરીંગ પણ થયેલ જેમાં બાંધકામ ગેરકાયદેસર હોવાનું પુરવાર થયેલ છતાં આસામી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, 260(2) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ગ્રાઉન્ડ+પાંચ માળના અંદાજીત 20000 ચો.ફૂટ નું બાંધકામ દુર કરવાની કામગીરી ચાલુ કરેલ છે. સદર ગેરકાયદેસર બાંધકામને લાગુ રહેણાંક વિસ્તાર હોય, સ્થાનિકે સલામતીના ભાગ રૂૂપે સેફટીને ધ્યાને લઇ આ બાંધકામ દુર કરવાની કામગીરી મેન્યુઅલી હાથ ધરવામાં આવેલ છે જે અંદાજીત 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેશે આ બાંધકામ કોંગ્રેસમાંથી ઠેંકડો મારી મલાઈ તારવવા માટે ભાજપમાં જોડાયેલા અને રાજકીય ડોનની છાપ ધરાવતા પૂર્વ કોર્પોરેટરની ભાગીદારીમાં હોવાની ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની છાતી ઉપર બેસી નીતિનિયમો નેવે મુકી રિંગરોડ ઉપર આવેલા નાણાવટી ચોકથી રામાપીર સર્કલ વચ્ચેના રોડ ઉપર બાકાયદા આ છ માળનો ગેરકાયદે શિશમહેલ ખડકી નાખવામાં આવ્યો હતો અને તેમાં વિજ જોડાણો સહિતની સુવિધાઓ પણ મળી ગઈ હતી પરંતુ આઠ માસ પહેલા સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડના કારણે આવા ગેરકાયદે માચડાઓનો ખેલ ઉંઘો પડતા અંતે કોર્પોરેશનના શાસકોએ પણ રાજકીય લાજ શરમ છોડી આ ગેરકાયદે માચડો તોડવાની ફરજ પડી હોવાની ચર્ચા છે.
સ્ટે. ચેરમેને હાથ ખંખેરતા અધિકારીઓ ગેલમાં
કોર્પોરેટરની ભાગીદારીમાં થયેલ ડિમોલેશનની કાર્યવાહી શરૂ થતા જ સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને અનેક રાજકિય અગ્રણીના ફોન આવેલ અને ડિમોલીશન રોકવાનું કહેલ પરંતુ ગેમઝોનની આગમાં બચી ગયેલા પદાધિકારીઓ હવે છાસ પણ ફુકીને પીતા હોવાથી ચેરમેન ઘસીને ના પાડી દીધી હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે અધિકારીઓએ રાહતનો શ્ર્વાસ લઇ હથોડો મારીને બિલ્ડીંગ તોડી પાડ્યું હતું.
