ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

– ચાર દિવસીય પરંપરાગત લોકમેળાની શુક્રવારે થશે પૂર્ણાહુતિ –   ખંભાળિયામાં ભારે ઇન્તેજારીપૂર્ણ બની રહેલા શક્તિનગર વિસ્તારના શિરૂતળાવના લોકમેળાનો ગઈકાલે મંગળવારથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં…

– ચાર દિવસીય પરંપરાગત લોકમેળાની શુક્રવારે થશે પૂર્ણાહુતિ –

 

ખંભાળિયામાં ભારે ઇન્તેજારીપૂર્ણ બની રહેલા શક્તિનગર વિસ્તારના શિરૂતળાવના લોકમેળાનો ગઈકાલે મંગળવારથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે લોકમેળાની રંગત ઝાંખી રહી હતી. જો કે હજુ ત્રણ દિવસ લાખો લોકો આ મેળાને મન ભરીને માણશે.

દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા પરંપરાગત લોકમેળા આ વર્ષે પણ ચાર દિવસના યોજાયા છે. તા. 26 થી 29 ઓગસ્ટના આ ચાર દિવસીય લોકમેળાનું ઉદઘાટન ગઈકાલે મંગળવારે સાંજે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ અહીંના જિલ્લા કલેકટર રાજેશ તન્નાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

લોકમેળાના પ્રારંભે ગઈકાલે કેટલીક મોટી રાઇડ્ઝ તેમજ ચકડોળને મંજૂરી ના મળતા કોઈ કારણોસર આવી રાઇડ્ઝ અને મોતના કુવા વિગેરે શરૂ થયા ન હતા. જેથી અનેક મેળા શોખીનો નિરાશ થયા હતા. જો કે આ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા હવે આવી રાઇડ્ઝમાં લોકો મોજ માણી શકશે.

અહીંના મેળામાં જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા મનોરંજનના સાધનો તેમજ ખાણી-પીણી અને રમકડા વિગેરેના વિક્રેતાઓ ખાસ કરીને બાળકો સાથે યુવાનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે કોઈપણ જાતના વિવાદ વગર શરૂ થયેલા આ લોકમેળાને હાલની પરિસ્થિતિમાં વરસાદનું વિઘ્ન ન નડતા મેળા શોખીનો મન ભરીને મેળાની મોજ માણી શકશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા, અગ્રણી તબીબ ડો. અમિત નકુમ, યાર્ડના ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા, ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ લોકમેળા પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત આ પરંપરાગત લોકમેળા કે જેને મીની તરણેતરના મેળાની પણ ઉપમા હાંસલ થઈ છે. જેના સુચારુ આયોજન માટે ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ (બાબાભાઈ) નકુમ અને તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા અને સાથે ગ્રામ પંચાયતના સદસ્યો વિગેરે દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *