ખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયા

– સવારે શુભ ચોઘડિયે ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજાયા – વિઘ્નહર્તા દેવના ગણેશજીના મહાપર્વ એવા ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ખંભાળિયામાં ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ…

– સવારે શુભ ચોઘડિયે ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજાયા –

વિઘ્નહર્તા દેવના ગણેશજીના મહાપર્વ એવા ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ખંભાળિયામાં ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ગણેશ ચોથ નિમિત્તે આજે સવારે શહેરના જુદા જુદા પંડાલોમાં વિઘ્નહર્તા દેવને ભાવભરી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા.

અહીંના નવાપરા, રામનાથ સોસાયટી, જૂની લોહાણા મહાજન વાડી, લુહારશાળ, સ્ટેશન રોડ, સહિત અનેક સ્થળોએ દુંદાળા દેવનું ઢોલ નગારા સાથે વાજતેગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ સુધી જુદા જુદા સ્થળોએ ગણપતિ સ્થાપનમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના સુંદર આયોજન કરવામાં આવ્યા છે.આ ઉપરાંત શહેરમાં અનેક સદગૃહસ્થો એ પણ પોતાના ઘરે ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજન અર્ચન સાથે ભક્તિમાં મગ્ન થયા છે.

છેલ્લા આશરે દોઢ દાયકાથી અહીંના પોસ રહેણાંક વિસ્તાર એવા નવાપરા ખાતે નવાપરા યુવક મંડળ દ્વારા 11 દિવસના સ્થાપિત આ ગણપતિ મહોત્સવમાં આવતીકાલે ગુરુવારે ફૂલડોલ તથા શુક્રવારે સુકામેવાના દર્શન યોજાયા છે.

અહીંના જાણીતા રામનાથ સોસાયટી વિસ્તારમાં રામનાથ સોસાયટી મિત્ર મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસ સ્થાપિત ભવ્ય એવા “રામનાથના રાજા” ગણપતિને આજરોજ ગુરુવારે દીપમાળા તેમજ આવતીકાલે શુક્રવારે રાત્રે 8 વાગ્યે ફ્રુટના અન્નકોટના દર્શન યોજાયા છે.

અહીંની જૂની લોહાણા મહાજન વાડી ખાતે ગણેશ ઉત્સવ પરિવાર દ્વારા યોજવામાં આવેલા ગણપતિ મહોત્સવમાં આવતીકાલે ગુરુવારે સાંજે 7 વાગ્યે અન્નકૂટના દર્શન યોજાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *