સમાજમાં જાણે રાક્ષસો ખુલ્લા ફરી રહ્યા હોય અને સંબંધોની મર્યાદાઓ નેવે મુકાઈ ગઈ હોય તેવી એક હચમચાવી દેનારી ઘટના ગોંડલમાંથી સામે આવી છે. ગત સપ્તાહે જ એક પિતાની ઉંમરના ઢગાએ સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધાની શરમજનક ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ગોંડલ પંથકમાં વધુ એક કલંકરૂૂપ ઘટના બની છે. એક 65 વર્ષીય નરાધમે માનસિક રીતે અસ્થિર સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેને પીંખી નાખતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને લોકોમાં સખત આક્રોશ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા અને તેની માતા બંને માનસિક રીતે અસ્થિર છે. આ અસહાય માતા-પુત્રી ગોંડલમાં રહેતા પોતાના બહેન-બનેવીના ઘરે વેકેશન ગાળવા માટે આવ્યા હતા. ત્યારે છૂટક મજૂરી કરતા યશવંત લક્ષ્મણભાઇ સાકરીયા (ઉ.વ. 65) નામના શખ્સે આ માસૂમ અને માનસિક રીતે અસ્થિર સગીરા પર નજર બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવસખોર આરોપી પોતે બે સંતાનોનો પિતા છે અને તેના પણ બીજા લગ્ન થયેલા છે.
આ પીડાદાયક અને ઘૃણાસ્પદ ઘટનાનો ભોગ બનેલી માનસિક અસ્થિર સગીરાએ હિંમત દાખવીને પોતાની સાથે થયેલા અમાનવીય કૃત્યની જાણ પોતાના મોટા બાપુની દીકરી (પિતરાઈ બહેન) ને કરી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા આ મામલો ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.
ફરિયાદ નોંધાતા જ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને આરોપી યશવંત સાકરીયાની ધરપકડ કરી લીધી હતી. ભોગ બનનાર માસૂમ સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સમગ્ર ચકચારી બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એસ. ગઢવી તેમજ રાઇટર ધમભા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
વારંવાર બનતી આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. દીકરીઓ હવે ક્યાં સુરક્ષિત છે? તેવો વેધક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. આવા નરાધમોને કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
