ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ કરાવવાની પણ માંગ કરી હતી.
શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સ દરમિયાન રાજ્યસભામાં અમદાવાદની ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક સમજી વિચારીને કરવામાં આવેલા ષડયંત્ર હેઠળ ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજીને ગામમાંથી ગરીબ દર્દીઓને જરૂર ના હોવા છતા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. તે બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ હોસ્પિટલ પૈસા પડાવી લેતી હતી. 24 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલે ગરીબ લોકોના મેડિકલ કેમ્પ યોજીને હાર્ટમાં તકલીફ છે જણાવી ડરાવીને હોસ્પિટલમાં બોલાવી એન્જિયોપ્લાસ્ટિ કરી નાખી હતી. આ ઘટનામાં બે દર્દીના મોત થયા હતા અને કેટલાક દર્દી ICUમાં દાખલ હતા.”
શક્તિસિંહ ગોહિલે PMJAY યોજનાના દૂરઉપયોગનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ” પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY)માં એક ષડયંત્ર હેઠળ પૈસા ઉઠાવવાનું કામ ચાલી રહ્યું હતું અને ગરીબ લોકોના જીવન સાથે રમત રમવામાં આવી રહી હતી. આ વાતની પૃષ્ટી રાજ્ય સરકારની બનાવવામાં આવેલી કમિટીએ પણ કરી છે. શક્તિસિંહ ગોહિલે અનુરોધ કરતા જણાવ્યું કે, આવું જ ષડયંત્ર બીજી જગ્યાએ પણ ચાલતું હશે તેને રોકવા માટે અને ગરીબ લોકોના જીવ સાથે રમત ના રમાય તેના માટે CBI દ્વારા તપાસ કરવામાં આવે.”