ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન કામનું મટીરીયલ (રેતી, કાંકરી વગેરે) રસ્તા પર અને ગટરમાં જવાના કારણે ગટરની લાઈન છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હતી. જેના પરિણામે મેઈન રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા લોકોને અને વાહનચાલકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. રસ્તા પર કાદવ અને પાણીના કારણે અનેક રાહદારીઓ લપસીને પડી જવાના બનાવો પણ બન્યા છે.
મામલાની ગંભીરતા જોતા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાએ જાતે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે બાંધકામ સ્થળે કામ કરતા લોકોને પોતાનું મટીરીયલ રોડ પરથી હટાવી વ્યવસ્થિત પતરાં ઢાંકીને રાખવા અને ગટર ન ઉભરાય તે માટે તાત્કાલિક નિવારણ લાવવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત, મીડિયા દ્વારા ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. ઉદય નસીતનું ધ્યાન દોરવામાં આવતા તેમણે તાત્કાલિક પોતાના સ્ટાફને સ્થળ પર રવાના કર્યો હતો. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ખાનગી આસામી દ્વારા રસ્તા પર મટીરીયલ ઢોળવામાં આવ્યું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. આ સમગ્ર બાબતની અંદર જવાબદાર આસામીને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવશે અને નિયમોનુસાર કડક દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલમાં નગરપાલિકાની ટીમ દ્વારા ગટર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
