વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ

પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી…

પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ

વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ટ્રાફિક નિયમન માટે બનાવવામાં આવેલા ડિવાઈડરનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની જગ્યાએ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેના કારણે વાહન વ્યવહાર માટે અડચણો ઉભી થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસ લાઈન પાસે અચાનક ડિવાઈડર મૂકાતા બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કહેવાય છે કે પોલીસ વિભાગ દ્વારા પોલીસ લાઈન પાસે બાળકો રમે છે એવા કારણસર આ ડિવાઈડર મુકાયા છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી અહીં પોલીસ લાઈન આવેલી છે અને અત્યાર સુધીમાં કોઈ ગંભીર અકસ્માત નોંધાયો નથી.

સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સુરગવાળા હાઈસ્કૂલ પાસેથી રોજબરોજ પૂરપાટ ઝડપે વાહનો પસાર થાય છે, તેમજ બેફામ પાર્કિંગના કારણે વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય સર્જાય છે. આવા સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા ન હોવા છતાં, પોલીસ લાઈન પાસે ખાસ પગલાં લેવાતા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે ગામના અન્ય બાળકોની સુરક્ષા અંગે યોગ્ય ચિંતા ન દાખવાતી હોવા છતાં પોતાના વિસ્તાર માટે તાત્કાલિક વ્યવસ્થા કેમ કરવામાં આવે છે? નાગરિકોએ માંગ કરી છે કે ટ્રાફિક નિયમન માટે સમાન અને પારદર્શક નીતિ અપનાવવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં પ્રાથમિકતા આધારે સુરક્ષા પગલાં લેવામાં આવે. હાલમાં આ મુદ્દે તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિકો યોગ્ય તપાસ અને વ્યવસ્થા બદલવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *