માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇ

સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી…

સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય

માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી લઈને છેક બસ સ્ટેન્ડ સુધીની મુખ્ય ગટર છેલ્લા ઘણા સમયથી સાફ કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક રહીશો અને રાહદારીઓ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

આ મુખ્ય ગટર હાલમાં કચરાથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને પાણીનો નિકાલ તદ્દન બંધ થઈ ગયો છે. ગટરમાં પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ અને અન્ય કચરાના મોટા ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં કરવાની થતી કોઈ જ પ્રી-મોન્સૂન સફાઈ અત્રે કરવામાં આવી નથી, જેના કારણે ગંદા પાણી ગમે ત્યારે રોડ પર કે લોકોના ઘરોમાં ફરી વળે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

સ્થિતિ ત્યારે વધુ ચિંતાજનક બની જ્યારે આ ગંદકીની વચ્ચે એક મૃત પશુ (ભૂંડ) પણ આવીને પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મૃત પશુ ગટરમાં સડી રહ્યું હોવા છતાં તેને હટાવવાની નગરપાલિકાએ કોઈ તસ્દી લીધી નથી. આના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. ચોમાસાની શરૂૂઆતમાં જ મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અતિશય વધી જતાં, સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ડાયરિયા જેવા ગંભીર રોગચાળો ફેલાવવાનો ભારે ભય વ્યાપી ગયો છે.

રફીકભાઈ હિંગરોઝા અને અક્ષય કટારીયાએ આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. આ ગંભીર સમસ્યા અંગે જ્યારે મીડિયા દ્વારા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયાનો બે વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે જવાબદારીમાંથી છટકતા હોય તેમ તેમણે બંને વખત ફોન કટ (કાપી) નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *