અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી
વાગડ પંથકમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે ભચાઉ અને રાપરમાં ઝડપની મજામાં બાઇક જીવલેણ સાબિત થઇ છે. જેમાં વધુ એક માસૂમ સહિત બે જીવ કાળનો કોળિયો બન્યા છે.
રાપરના પીરધાર વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા રમેશભાઈ છગનભાઈ દેવીપુજકે નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે બપોરે તેમનો 12 વર્ષીય પુત્ર પ્રવીણ અને 7 વર્ષીય પુત્ર શૈલેષ વાડીએ ટીફીન આપવા આવ્યા હતા.
ટીફીન આપીને બંને ભાઈઓ જ્યારે પગપાળા ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકના ચાલકે નાના ભાઈ શૈલેષને જોરદાર અડફેટે લીધો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે શૈલેષના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને નાક-કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પોતાની નજર સામે જ ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈ મોટો ભાઈ પ્રવીણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો.
રસ્તા પરથી પસાર થતા વાડી માલિક ગણેશભાઈએ તાત્કાલિક બાઇક ચાલકને જ ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. અકસ્માત કરનાર બાઇક ચાલક રમેશ ગાંગજીભાઈ વાવિયા જ બંને ભાઈઓને રાપર સરકારી હોસ્પિટલ લઈ આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ 7 વર્ષીય શૈલેષને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ દોડી આવેલા માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ મામલે મૃતક બાળકના પિતા રમેશભાઈએ રાપર પોલીસ મથકે બાઇક ચાલક રમેશ ગાંગજીભાઈ વાવિયા (રહે. રાપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
