સાત વર્ષના બાળક પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતાર્યો

ત્રણ દિવસ પહેલા છીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળકના અપહરણ અને હત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસે માસુમની હત્યાના…

ત્રણ દિવસ પહેલા છીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળકના અપહરણ અને હત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસે માસુમની હત્યાના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. અને બાળકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હત્યાનું કારણ જે બહાર આવ્યું છે તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો સાત વર્ષીય બાળક 25મી તારીખ રાતથી ગુમ હતું. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. અને 200થી વધુ પોલીસ જવાનો અને સ્થાનિક લોકોની મદદથી આસપાસના વિસ્તાર અને ઝાડીઓમાં બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા. બાળકને શોધવા પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી.

ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકોનું ટોળું એકઠું થયું હતું. આખરે ગુમ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથીના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની તીક્ષ્ણ હથિયારથી હત્યા નીપજાવવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો પણ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.માસુમ બાળકના અપહરણની ફરિયાદ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરતા પોલીસને પ્રાથમિક રીતે એક સીસીટીવી મળ્યા હતા. આ સીસીટીવીમાં આ બાળક કોઈ શંકાસ્પદ વ્યક્તિ સાથે જઈ રહ્યું હોવાનું દેખાયું હતું. આથી પોલીસે એ દિશામાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આસપાસના લોકોની પૂછપરછ અને તપાસ કરતા આખરે દમણના ભીમપોર વિસ્તારમાંથી શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ નામના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.આરોપી શિવકુમારે જ માસુમ બાળકની હત્યા કરી હતી. હત્યાનું કારણ જાણવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપી શિવકુમાર ભોગ બનેલા બાળકના ઘરની નજીકમાં જ રહેતો હતો. અને તેણે આ બાળકને નાસ્તો કરવા 10 રૂૂપિયા આપવાની લાલચ આપી દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું હતું. ત્યારબાદ ઘરથી થોડે દૂર ઝાડીઓમાં લઈ જઈ અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *