ચોમાસાના પ્રથમ જ વરસાદે ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાંના એક સૈયદ રાજપરા બંદર પર કુદરતી આફતનું ગંભીર દૃશ્ય સર્જ્યું છે. મધ્ય ગીર જંગલ વિસ્તારમાંધોધમારવરસાદ બાદ રાવલ નદીમાં આવેલા પ્રચંડ પાણીના પ્રવાહે બંદર ની ખાડીમાં લંગારેલી બોટોને તબાહી તરફ ધકેલી દીધી છે. પાર્કિંગ જેટીની સુવિધા ન હોવાથી ખાડીમાં બાંધેલી બોટો ધસમસતા પાણીના પ્રવાહમાં ફંગોળાઈ ગઈ હતી. પરિણામે સાત ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ, જ્યારે દરિયાની ભેખડો સાથે અથડાઈ પાંચ બોટ સંપૂર્ણપણે ફાટી-તૂટી ગઈ છે. આ ઘટનામાં અંદાજે રૂૂ. બે કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.
સૈયદ રાજપરા બંદર ઉનાથી આશરે 20 કિલોમીટર દૂર દરિયાકાંઠાના છેવાડે આવેલું રાજ્યનું મહત્વનું પરંપરાગત માછીમારી બંદર છે. અહીં 10 હજારથી વધુ માછીમારોનો વસવાટ છે અને સમગ્ર વિસ્તારનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. અંદાજે 500થી વધુ ફિશિંગ બોટો ધરાવતું આ બંદર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર સાથે જોડાયેલું છે. સમગ્ર વિસ્તાર ના હજારો પરિવારોનો જીવન નિર્વાહ દરિયા પર આધારિત હોવાથી આવી કુદરતી આફતો સમગ્ર અર્થતંત્રને સીધી અસર પહોંચાડે છે.
માછીમારોના જણાવ્યા મુજબ હજુ પણ ત્રણ બોટ દરિયાની ભેખડો વચ્ચે ફસાયેલી છે. દરિયામાં સતત ઉછળતા મોજા અને જોખમી પરિસ્થિતિને કારણેબોટો ને બહાર કાઢવી મુશ્કેલ બની છે. જો આગામી દિવસો માં પણ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આ બોટો પણ દરિયામાં તૂટી જવાની પૂરી શક્યતા છે.
