પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં મોહરમના તાજીયાના દિવસે થયેલા જીવલેણ હુમલાના મામલે કીર્તિમંદિર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં સામેલ આઠ આરોપીઓમાંથી સાતની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. આ હુમલો જૂની ચૂંટણીની અદાવતમાં થયો હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસા જણાવ્યા અનુસાર, ગત 26 જૂનના રોજ મોડી રાત્રે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના તકિયા (મેમણવાળા)માં આ ઘટના બની હતી. આશરે એક વર્ષ પહેલાં ચૂંટણી દરમિયાન બંને જૂથો વચ્ચે મનદુ:ખ થયું હતું. આ જૂની અદાવતને કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર જેવા હથિયારો વડે નઝીર હુસેન (નઝીર મુસા રાઉકુંડા) પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાની આ ઘટના અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા, જેમાંથી પોલીસે સાત આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં અઝીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઇ, એજાઝ નાલબંદ અને યુસુફ ફારુક મુરાદનો સમાવેશ થાય છે. એક ફરાર આરોપીને પકડવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે. પોલીસે હુમલામાં વપરાયેલી તલવાર સહિતના ઘાતક હથિયારો પણ કબજે કર્યા છે.
ધરપકડ બાદ કીર્તિમંદિર પોલીસની ટીમ આરોપીઓને પુરાવા એકત્ર કરવા માટે મેમણવાળા સ્થિત તકિયા વિસ્તારમાં (ઘટનાસ્થળે) લઈ ગઈ હતી. પોલીસે ત્યાં કડક સુરક્ષા વચ્ચે પંચનામું અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી જોવા માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોલીસની કામગીરીને બિરદાવી હતી.
