ગુજરાતના આર્થિક વિકાસના વિઝનને વૈશ્વિક સ્તરે ઉજાગર કરતા ગિફ્ટ સિટી: ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય દ્વાર વિષય પર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુ, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય કૌલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી આવેલા ડેલિગેટ્સ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અમદાવાદ- ગાંધીનગર વચ્ચે કુલ 886 એકર વિસ્તારમાં વિકસિત થયું છે. ગિફ્ટ સિટી બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ ડોમેસ્ટિક ટેરિફ એરિયા છે, જેનો વિસ્તાર અંદાજે 625 એકરનો છે. આ વિસ્તારમાં વ્યાવસાયિક, રહેણાંક, સામાજિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જે પ્રદેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.બીજો મહત્વપૂર્ણ વિભાગ મલ્ટી-સર્વિસિસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો છે, જેનો વિસ્તાર આશરે 261 એકરનો છે. આ ઝોન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ, બેંકિંગ, ફિનટેક, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ અને વૈશ્વિક વ્યાપાર પ્રવૃત્તિઓ માટે વિકસાવવામાં આવ્યો છે.
આ સેમિનારમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવાના ભારત સરકારના વિઝન, આંતરરાષ્ટ્રીય રોકાણની તકો તેમજ ફિનટેક, બેંકિંગ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટ ક્ષેત્રે રોકાણની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
