શહેરમાં આવતીકાલે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની મહત્વની NEET-UG – 2026 પરીક્ષા ને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અડચણ ન પડે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ 163 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરના 12 જેટલા પરિક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુ કરી 4 કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આવતીકાલે બપોરે 2:00 થી 5:15 દરમિયાન 12 કેન્દ્રો પર પરીક્ષા પરીક્ષા યોજાશે જેમાં 5330 જેટલા વિધાર્થીઓ NEET-UG – 2026 પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ કોઈપણ જાતના ખલેલ વિના પરીક્ષા આપી શકે અને બહારના તોફાની તત્વો કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન આચરે તે હેતુથી કાલે સવારના 11:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી પ્રતિબંધાત્મક આદેશો અમલી રહેશે.
જેમાં પરીક્ષા કેન્દ્રોની ચારેય બાજુની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં, કેન્દ્રની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ સ્ટેશનર્સ, વેપારીઓ કે શાળાના સંચાલકોએ ઝેરોક્ષ મશીનો બંધ રાખવાના, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની અંદર કોઈપણ અનધિકૃત વ્યક્તિ વાહન લાવી શકશે નહીં, વિદ્યાર્થીઓ કે સુપરવાઇઝરો પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઇડ તેમજ મોબાઇલ ફોન, ટેબ્લેટ, આઇ-પેડ કે સ્માર્ટ વોચ જેવા ડિજિટલ ઉપકરણો લઈ જઈ શકશે નહીં. , પરીક્ષા કાર્યમાં રોકાયેલા સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક અને સ્ટાફે ફરજિયાતપણે ઓળખકાર્ડ પહેરવાનું રહેશે, પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ NEET-UG પરીક્ષાની સુરક્ષાને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. શહેરના 12 સેન્ટર ખાતે યોજાનાર NEET-UG પરીક્ષા માટે સુરક્ષા વ્યવસ્થા અધિકપોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકના સુપરવિઝન હેઠળ સ્થાનિક પોલીસ સાથે અર્ધલશ્કરી દળોની 12 કંપની તૈનાત કરવામાં આવશે તેમજ રાજકોટમાં NEET-UG પરીક્ષાના પેપરો આવી ગયા છે જેને સ્ટ્રોંગરૂૂમ ખાતે રાખવામાં આવ્યા હોય ત્યાં પણ સ્થાનિક પોલીસ સાથે અર્ધલશ્કરી દળોને તૈનાત કરી 24 કલાક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી કરવા, ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપવામાં આવી હતી.
આવતીકાલે શહેરના 12 કેન્દ્રો ખાતે યોજાનાર NEET-UG પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને સાથે રાખી આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને જરૂૂરી સૂચના આપવામાં આવી હતી.
