ગીરગઢડા પંથકમાં ચાર દિવસમાં સિંહણનો બીજો હુમલો, બોડીદરમાં મધ પાડતા યુવાન પર વનરાણી ત્રાટકી

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. શનિવારે તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા…

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. શનિવારે તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ વાઘેલા નામના યુવાન પર સિંહણે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાર દિવસમાં સિંહણ દ્વારા હુમલાની આ બીજી ઘટના બનતા ગીર કાંઠાના ગામોમાં વન્ય પ્રાણીઓથી અસુરક્ષાની ભાવના ફરી સપાટી પર આવી છે.
મળતી માહિતી મુજબ, બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલી સીમમાં રમેશ વાઘેલા તેના બે મિત્રો સાથે મધ પાડવાની કામગીરી કરી રહ્યો હતો.

આ વિસ્તાર જંગલની સીમાને અડીને આવેલો હોવાથી અહીં અવારનવાર વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. ત્રણેય મિત્રો જ્યારે મધ ઉતારવામાં વ્યસ્ત હતા, ત્યારે ઝાડીઓમાં છુપાયેલી એક સિંહણે ઓચિંતી ત્રાટક મારી હતી સિંહણના અચાનક હુમલાથી ગભરાયેલા રમેશના બંને મિત્રો જીવ બચાવવા સુરક્ષિત અંતરે નાસી છૂટ્યા હતા, પરંતુ રમેશ સિંહણની પકડમાં આવી ગયો હતો. હિંસક સિંહણે રમેશ પર પંજા અને જડબા વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

રમેશની ચીસાચીસ સાંભળી નજીકથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના હાકલા-પડકારા બૂમરાણથી સિંહણ વિચલિત થઈ હતી અને રમેશને લોહીલુહાણ હાલતમાં છોડી જંગલ તરફ ભાગી ગઈ હતી. સ્થાનિકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત યુવાનને ગીરગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. વનકર્મીઓએ યુવાનની તબિયત અંગે પૃચ્છા કરી હુમલો કરનાર સિંહણને ટ્રેક કરવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હજુ ચાર દિવસ પૂર્વે જ ગીરગઢડાના શાણાવાંકિયા ગામમાં આઠ વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટના સાબિત કરે છે કે સિંહો હવે જંગલ છોડી રેવન્યુ વિસ્તાર અને ખેતરોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આક્રમક બનેલી સિંહણને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *