રાજકોટ રહેતાં કારખાનાના બે કર્મચારી સામે ગુનો નોંધાયો
શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ’ કંપનીના સ્ટોર રૂૂમમાંથી રૂૂ.50 લાખની કિંમતી ધાતુની ચોરી થવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે શાપર વેરાવળ પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે. જેમાં અંદાજે 1000 કિલોગ્રામ ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સના સ્ક્રેપની ચોરી કરનાર કંપનીના જ બે કર્મચારીઓ વિરૂૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શાપર ગામમાં મામાદેવના મંદિર પાસે આવેલી રાજન ટેક્નોકાસ્ટ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા કૃશાંતભાઇ ઉર્ફે કાળુભાઇ શૈલેષભાઇ ખુંટે આ મામલે વિપુલ મોહનભાઈ ખાનડર (રહે. સોલ્વન્ટ કોઠારીયા, રાજકોટ) અને નિતેશ હરેન્દ્રભાઈ ઠાકુર સામે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં સીએનસી મશીનિંગના કામ માટે ઉપયોગમાં લેવાતા કિંમતી ટંગસ્ટન ધાતુના ઇન્સર્ટ ટુલ્સનો અંદાજે 1000 કિલોગ્રામ જેટલો સ્ક્રેપ જથ્થો સ્ટોર રૂૂમમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
ગત તારીખ 10 જૂન 2026ના રોજ જ્યારે આ માલ વેચવા માટે મોકલવાનો હતો, ત્યારે તપાસ કરતા સ્ટોર રૂૂમમાંથી આખો જથ્થો ગાયબ જોવા મળ્યો હતો. આ અંગે કંપનીના માલિક દુષ્યંતભાઈ પટેલને જાણ કર્યા બાદ સ્ટોર રૂૂમના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.
ફૂટેજમાં કંપનીના જ બે કર્મચારીઓ તા. 03/06/2026ના રોજ સવારે કંપનીની મંજૂરી વિના એક સફેદ કલરના બાચકામાં સ્ક્રેપ ભરીને બહાર લઈ જતા રંગેહાથ કેદ થયા હતા. ચોરીના આ આયોજનબદ્ધ કૌભાંડમાં કંપનીમાં જ નોકરી કરતા બે શખ્સો મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે. જેમાં વિપુલ મોહનભાઈ ખાનડર (રહે. સોલ્વન્ટ કોઠારીયા, રાજકોટ) અને નિતેશ હરેન્દ્રભાઈ ઠાકુર (રહે. આજીડેમ પાસે, રાજકોટ)નું નામ ખુલ્યું હતું.. આ બંને આરોપીઓએ છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન માલિક કે મેનેજરની જાણ બહાર, અલગ-અલગ દિવસે અને સમયે કટકે-કટકે આશરે 1000 કિલોગ્રામ જેટલો ટંગસ્ટન સ્ક્રેપ ચોરી કર્યો હતો. બજારમાં આ ધાતુના સ્ક્રેપની કિંમત રૂૂ.5,000 પ્રતિ કિલોગ્રામ હોવાથી કુલ રૂૂ.50 લાખની ચોરી આચરી હોવાનું ખુલ્યું છે.
આ ઘટના અંગે મેનેજર કૃશાંતભાઇ ખુંટની ફરિયાદના આધારે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ આર.ડી. સોલંકીને સોંપવામાં આવી છે.
