શાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકજૂટ થવા અપીલ કરતાં આજે વડોદરામાં જણાવ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકજૂટ થવા અપીલ કરતાં આજે વડોદરામાં જણાવ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટી સમસ્યા છે. દેશ પર સંકટ છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોએ વિદેશથી આયાત થતી વસ્તુઓને ઉપયોગ ઘટાડવો પડશે. લોકલ ફોર વોકલનો આગ્રહ રાખવો પડશે. આજે વડાપ્રધાન નરેન્દ મોદીનું પાટીદાર સંસ્થાઓ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદરા સ્થિત સરદારધામ -3ના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, આજે પણ જરુર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો આગ્રહ રાખે.

સરદારધામ ખાતે સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ કોઈ પૂણ્ય પર્વથી ઓછો નથી. સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાનો જે સંકલ્પ સરદાર પટેલે લીધો હતો, તે જ સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તમામ લોકોએ ભેગા મળીને ઇતિહાસ રચ્યો છે. સોમનાથથી લઈને આજના નવા સંકલ્પો સુધીની ભારતની યાત્રામાં સરદાર પટેલના આદર્શો હંમેશા પ્રેરણારૂૂપ રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન વડાપ્રધાને સરદારધામ ખાતે વિવિધ પ્રકલ્પોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 50 ફૂટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે પહોંચતા શહેર ‘મોદીમય’બન્યું હતું. વડોદરા પહોંચતા જ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા : ઝાયડસ લાઈફ સાયન્સના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ પંકજ પટેલ દ્વારા અમદાવાદમાં સરદારધામના માધ્યમથી શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે સોમવારે વડોદરામાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં સરદારધામના પરિસરમાં આ યુનિવર્સિટી બનશે, જેનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ છે. જેમાં પંકજ પટેલ દ્વારા અંદાજિત 500 કરોડનું દાન આપવામાં આવશે. સરદારધામ દ્વારા સમાજના યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારીની તકો પૂરી પાડવાનું મુખ્ય લક્ષ્ય છે.

વેકેશન-ડેસ્ટિનેશન વેડિંગ માટે હવે વિદેશના બદલે દેશનો આગ્રહ રાખો
વેકેશન ગાળવા અને વિદેશમાં લગ્ન સમારંભ યોજવાની પરંપરા ઉપર પ્રહાર ફરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશમાં અનેક એવી જગ્યા છે જયાં તમે વેકેશન માણવા માટે અને લગ્ન સમારોહ યોજવા માટે જઈ શકો છો. જેના કારણે વિદેશી હુંડિયામણની બચત થશે અને દેશના વિકાસમાં તેનું યોગદાન થશે. મોદીએ પાટીદાર સમાજને ખાસ અનુરોધ કરતા જણાવ્યું હતું કે એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી કોઈ જગ્યા નથી. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં તમે લગ્ન સમારંભ યોજશો તો સરદાર સાહેબના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે.

હું, પંકજભાઈ, નરહરિ નવનિર્માણની ઓલાદો છીએ: વડાપ્રધાન મોદી
સરદારધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીનું પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે આ એવોર્ડ આપી તમે મારી જવાબદારી વધારી છે અને તેમાં પાછીપાણી કરવાનો મારો સ્વભાવ નથી. આમ પણ સરદાર સાહેબના સપના પૂરા કરવાનું મારા નસીબમાં લખાયું છે. જનરલ કેરીઅપ્પાનો દાખલો ટાંકતા કહ્યું હતું કે તેઓનું ગામમાં સન્માન કરાયું ત્યારે પુછવામાં આવ્યું કે તમે કેમ આટલા ખુશ છો, જનરલે કહ્યું હતું કે દેશ વિદેશમાં તો મારું સન્માન થાય છે પણ ઘરમાં સન્માન થાય તેનો આનંદ વિશેષ હોય છે આજે વિદેશોમાં મારુ સન્માન થાય છે પણ મારા ઘરમાં મારુ સન્માન થાય તેનાથી મારી શક્તિ વધી જતી હોય છે. તેમાં પણ અહીની ખાસીયત એ છે કે, પંકજ પટેલ, નરહરી અમીન અને હું, અમે ત્રણેય નવનિર્માણની ઓલાદો છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *