રિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગંભીર ફરિયાદ મુજબ, જામનગરની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપની સાથે સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી…

રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગંભીર ફરિયાદ મુજબ, જામનગરની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપની સાથે સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં ટ્રક ડ્રાઇવર પુરખારામ બાલારામ દ્વારા જે રીતે ગોઠવણ કરવામાં આવી હતી, તેણે સમગ્ર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. હાલમાં આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના ખાવડી ખાતે ક્રિષ્ના લોજિસ્ટિક કંપનીના સંચાલક પ્રદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓની કંપનીને કવીક સપ્લાય ચેન પ્રા.લિ. દ્વારા જામનગરની રિલાયન્સ કંપનીમાંથી સલ્ફરનો જથ્થો વડોદરાની જી.એસ.એફ.સી કંપનીમાં પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળેલ હતો. આ કામગીરી માટે ટ્રક ડમ્પર GJ 03 CU 5129 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત તા. 28 જૂન 2026ના રોજ આ ટ્રકમાં અંદાજે 36.330 મેટ્રિક ટન સલ્ફર લોડ કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 38.15 લાખ જેટલી થવા જાય છે. આરોપી ડ્રાઇવર પુરખારામ બાલારામ આ જથ્થો લઈને રવાના થયો હતો, પરંતુ તેણે નિર્ધારિત માર્ગે જવાને બદલે રાજકોટના કુવાડવા-વાંકાનેર હાઇવે પર આવેલ જીયાણા ગામના જી.આઇ.ડી.સી વિસ્તારમાં ટ્રક રોક્યો હતો.

જ્યારે વડોદરા પહોંચ્યા બાદ માલસામાનની ગુણવત્તા બાબતે વિવાદ થયો, ત્યારે કંપનીના સંચાલકોએ ટ્રકનું જી.પી.એસ બેકઅપ તપાસ્યું હતું. આ ટેકનિકલ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ડ્રાઇવરે ટ્રકને જીયાણા ગામના એક ગોડાઉન પાસે અંદાજે એક કલાકથી વધુ સમય માટે ઉભો રાખ્યો હતો. ફરિયાદ મુજબ, આ સમયગાળા દરમિયાન જ ટ્રકમાં ભરેલા સલ્ફરના મૂળ જથ્થામાં અન્ય પદાર્થોની ભેળસેળ કરવામાં આવી હતી. ગોડાઉનની બહાર સલ્ફર ઢોળાયેલું મળી આવતા આ શંકા વધુ ઘેરી બની હતી. જ્યારે ટ્રક વડોદરા સ્થિત જી.એસ.એફ.સી કંપની ખાતે પહોંચ્યો ત્યારે ત્યાંના અધિકારીઓને માલસામાનની ગુણવત્તા પર શંકા ગઈ હતી. તેઓએ ટ્રક ખાલી કરવાની મનાઈ ફરમાવી સેમ્પલ લીધા હતા. તા. 3 જૂલાઈ 2026ના રોજ આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સલ્ફરની શુદ્ધતા ઘટીને માત્ર 39.93% થઈ ગઈ હતી, જ્યારે તેમાં 38.25% ક્લોરાઇડ અને 15.18% સોડિયમનું પ્રમાણ મળી આવ્યું હતું.

કંપનીના સંચાલક પ્રદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ આ મામલે તાત્કાલિક એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) અને 316(3) હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સબ ઇન્સપેક્ટર બ્રિજરાજસિંહ વજેન્દ્રસિંહ સરવૈયા આ કેસની તપાસ કરી રહ્યા છે. ડ્રાઇવરની ભૂમિકા ઉપરાંત આ કૌભાંડ પાછળ અન્ય કોનો હાથ છે અને જીયાણા ગામના કયા ગોડાઉનમાં આ ભેળસેળ કરવામાં આવી હતી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ પરિવહન વ્યવસાયમાં વિશ્વાસની જાળવણી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *