સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલ (આઇઆઇસી) 6.0 હેઠળ 5માંથી 4 સ્ટાર મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ શિક્ષણ મંત્રાલયની ઇનોવેશન કાઉન્સિલ (એમઆઇસી)ની માર્ગદર્શિકા અનુસાર છે, જેનો ઉદ્દેશ શૈક્ષણિક સંસ્થાઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
આઈઆઈસી 6.0 ફ્રેમવર્ક અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કુલ 70 એક્ટિવિટીનું આયોજન કર્યું હતું, જેમાંથી 62ને આઈઆઈસીએ મંજૂરી આપી હતી. આ પ્રવૃત્તિઓમાં આઇઆઇસી-સંચાલિત, એમઆઇસી-સંચાલિત, ઉજવણી અને સ્વ-સંચાલિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આઈઆઈસી સ્કોરિંગ મિકેનિઝમ મુજબ યુનિવર્સિટીએ 100 માંથી 79.47 નો સ્કોર કર્યો હતો. આ સિદ્ધિ નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને આઈઆઈસી અને એમઆઈસીના ઉદ્દેશો સાથે સુસંગત છે. યુનિવર્સિટી આ ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને ટેકો આપવા માટે નવા માળખાની સ્થાપના તરફ સક્રિયપણે કામ કરવાનું ચાલુ રાખે છે.