સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે પહેલાથી જ તેલ-ગેસની આવક ખોરવાઈ છે. હવે સાઉદી અરેબિયાએ ચુપકેથી આટલી મોટી રમત રમી છે, જે ભારતની ચિંતા વધારનારી છે. સાઉદીની સૌથી મોટી કંપની આરામકોએ આવતા મહિના, એટલે કે મે માટે ક્રૂડ ઓઈલની કિંમતોમાં 10 ગણો વધારો કરી દીધો છે. ભારત જેવા એશિયાઈ દેશોએ આ પ્રીમિયમ 8 ગણું આપવું પડશે, જ્યારે યુરોપિયન દેશોએ 10 ગણું ચૂકવવું પડશે, તો જ તેમને તેલ મળશે.
ક્રૂડ ઓઈલની કિંમત બે ભાગથી બને છે. એક રેફરન્સ રેટ (જેમ કે બ્રન્ટ ક્રૂડ અથવા દુબઈ-ઓમાનની સરેરાશ કિંમત) અને બીજું ’પ્રીમિયમ’. આ પ્રીમિયમ તેલ ઉત્પાદક દેશો પોતાની પડતર અને માગના આધારે ઉમેરે છે. બીબીસી ફારસીના રિપોર્ટ મુજબ, સાઉદી કંપની આરામકોએ ફ્યુચર ડીલ માટે નવો પ્રીમિયમ રેટ જાહેર કર્યો છે.
ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ બંધ થઈ ચૂક્યું છે. ઈરાક, કુવૈત, બહેરીન અને કતાર જેવા દેશો પોતાનું તેલ વેચી શકતા નથી, પરંતુ સાઉદી અરેબિયા પાસે ’ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ છે, જેનાથી તે અખાતને બદલે લાલ સમુદ્રના માર્ગે પોતાનું તેલ દુનિયાને વેચી રહ્યું છે. સપ્લાય ઓછી છે અને માગ વધારે, આ તકનો લાભ લઈને સાઉદી અરેબિયા નફાખોરીમાં લાગી ગયું છે.
એપ્રિલ મહિનામાં ભારત જેવા એશિયાઈ દેશોને મળતા ’સાઉદી લાઈટ ક્રૂડ’ પર આ વધારાની કિંમત 2.5 ડોલર પ્રતિ બેરલ હતી. હવે મે માટે તેને વધારીને સીધી 19.5 ડોલર પ્રતિ બેરલ કરી દેવામાં આવી છે, એટલે કે સીધો 8 ગણો વધારો. જ્યારે યુરોપિયન દેશો માટે આ રેટ 2.65 ડોલર પ્રતિ બેરલથી વધારીને 27.65 ડોલર પ્રતિ બેરલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે યુરોપિયન દેશોએ 10 ગણું વધુ પ્રીમિયમ આપવું પડશે.
સાઉદી અરેબિયા ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર છે. ભારત પોતાની કુલ તેલની જરૂૂરિયાતનો અંદાજે 15%થી 18% હિસ્સો એકલા સાઉદી અરેબિયા પાસેથી લે છે. ભારત દરરોજ સાઉદી અરેબિયા પાસેથી અંદાજે 10 લાખથી 11 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદે છે. તેલ મોંઘું થવાને કારણે ભારતની તિજોરીમાંથી વધુ ડોલર બહાર જશે, જેનાથી વેપાર ખાધ વધશે અને રૂૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ શકે છે.
ભારત હવે રશિયા પાસેથી વધુ માત્રામાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ કરશે. રશિયાએ ભારતને ’અનલિમિટેડ સપ્લાય’નો ભરોસો આપ્યો છે. ભારત પોતાના ભૂગર્ભ તેલ ભંડારોમાંથી તેલ કાઢી શકે છે, જેથી કિંમતો અચાનક ન વધે. સરકાર ઘરોમાં ગેસ અને તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇન્ડક્શન કુકટોપ અને સોલર એનર્જીને યુદ્ધના ધોરણે પ્રોત્સાહન આપી રહી છે.
