ભારતીય ઉર્જા બજારમાં હવે કરાર ભંગના કેસ વધવા ભીતિ

વર્ષ 2026માં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગલ્ફ દેશોમાં તેલ અને ગેસની નિકાસ પર ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગોમાં કરારમાંથી મુક્તિ) ની જાહેરાત…

વર્ષ 2026માં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગલ્ફ દેશોમાં તેલ અને ગેસની નિકાસ પર ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગોમાં કરારમાંથી મુક્તિ) ની જાહેરાત કરવામાં આવી છે. આ કાનૂની ધ્રુજારીની અસર હવે ભારતીય કોર્ટરૂૂમમાં પણ દેખાવા લાગી છે. નિષ્ણાતોના મતે, આગામી મહિનાઓમાં ભારતીય અદાલતોમાં કરાર ભંગના કેસોમાં ‘એક્ટ્સ ઓફ ગોડ’ (કુદરતી આફત) કરતા ‘એક્ટ્સ ઓફ સ્ટેટ’ (સરકારી હસ્તક્ષેપ) ના બચાવ વધુ જોવા મળશે.

શું છે ‘ફોર્સ મેજ્યોર’ અને ડેટા શું કહે છે?
જ્યારે કોઈ એવી ઘટના બને જે પક્ષકારોના નિયંત્રણની બહાર હોય અને તેના કારણે કરારનું પાલન અશક્ય બને, ત્યારે તેને ‘ફોર્સ મેજ્યોર’ કહેવામાં આવે છે. બોમ્બે અને દિલ્હી હાઈકોર્ટ તેમજ NCLT ના 305 કેસના વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે, 2020ના કોવિડ સમયગાળા બાદ આવા કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. 2022માં આ દર 10,000 કેસ દીઠ 53 સુધી પહોંચી ગયો હતો.

જો તમે એવું વિચારતા હોવ કે ફોર્સ મેજ્યોરનું બહાનું કાઢીને તમે કરારમાંથી બચી જશો, તો સાવધાન! અદાલતો 70% કિસ્સામાં આ દલીલ સાથે અસંમત થાય છે. વિશ્ર્લેષણ દર્શાવે છે કે માત્ર 23 થી 29 ટકા કેસમાં જ પક્ષકારોને સફળતા મળે છે. અદાલતો માને છે કે જો કોઈ ઘટના કરારના પાલનને ‘અશક્ય’ ન બનાવતી હોય પણ માત્ર ‘મુશ્કેલ’ બનાવતી હોય, તો તેને બહાના તરીકે ગણી શકાય નહીં.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર સામાન્ય ‘ફોર્સ મેજ્યોર’ કલમ પર આધાર રાખવો હવે પૂરતો નથી. વ્યવસાયોએ હવે ભૂરાજકીય જોખમો અને નિયમનકારી ફેરફારોને સીધા જ તેમના કરારની શરતોમાં સામેલ કરવા પડશે. 2026ની ગલ્ફ કટોકટી જેવી ઘટનાઓ સાબિત કરે છે કે તમારા બિઝનેસને રોકનારી શક્તિ કદાચ આકાશમાંથી આવતું તોફાન નહીં, પણ કોઈ નિયમનકારની કલમનો ફટકો હોઈ શકે છે.

આમ, બદલાતા સમયમાં ‘વ્યવસાય કરવાની સરળતા’ માટે માત્ર નિયમો હળવા હોવા પૂરતા નથી, પરંતુ નીતિઓનું અનુમાન લગાવી શકાય તેવું કાનૂની વાતાવરણ હોવું પણ એટલું જ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *