શારીરિક તકલીફોને અવગણીને અલગ અલગ દેશોનો પ્રવાસ તથા લેખન પ્રવૃત્તિ ઉત્સાહથી કરે છે પૂર્વી મોદી મલકાણ
સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલા તેમજ હિટલરની સેનામાં રહેલ એક સૈનિકના પૌત્રને પણ પૂર્વી મોદી મલકાણ પ્રવાસ દરમિયાન મળ્યા
મર્સીડીઝ બેન્ઝની જ્યાંથી શરૂૂઆત થઈ એ જર્મનીનું લેડન બર્ગ હોય કે હિટલરે જ્યાં નાઝી લોકોને માર્યા હતા એ જગ્યા હોય, વેનગોગ મ્યુઝિયમ હોય કે લીઓ ટોલ્સટોય અને પુષ્કીનને જ્યાં દફનાવ્યાં છે એ કબ્રસ્તાન હોય દરેક જગ્યાએ તેઓ ગયા છે અને દરેક જગ્યાની એમની પાસે અનેક યાદો છે. સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલાને પણ તેઓ પ્રવાસમાં મળ્યા અને હિટલરની સેનામાં રહેલ એક સૈનિકનો પૌત્ર પણ તેમને આ દરમિયાન મળ્યો.રશિયામાં હોટેલમાં એક રશિયન ફિલ્મ પ્રોડ્યુસર પણ તેમને મળ્યા.
આ એ વ્યક્તિ છે જેમણે પોતાની જિંદગીમાં 50 થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસ વર્ણન માટે પોતાની કલમ પણ ચલાવી છે.પ્રવાસ અને લેખન બંનેમાં આગવું નામ ધરાવનાર આ મહિલા છે મૂળ સૌરાષ્ટ્રના અને અમેરિકામાં વસવાટ કરતા પૂર્વી મોદી મલકાન.સાહિત્ય અને લેખન ક્ષેત્રે રસ ધરાવનાર લોકોથી આ નામ અજાણ્યું નથી.અનેક શારીરિક તકલીફો હોવા છતાં મનથી તેઓ ખૂબ ઉત્સાહી છે અને હજુ પણ તેમનો અલગ અલગ દેશોનો પ્રવાસ ચાલુ જ છે.પ્રવાસ દરમિયાન રાજકોટની મુલાકાતે આવેલ ત્યારે ઉડાન માટે તેમની સાથે વિસ્તારથી વાતો થઈ.
જન્મ સૌરાષ્ટ્રના બગસરામાં થયો.પિતાજી નાનુભાઈ મોદી રાજકોટ જસાણી કોલેજમાં પ્રોફેસર હોવાથી રાજકોટ આવ્યા પરંતુ વાર તહેવારે દાદા-દાદી પાસે ગામડે જતાં . શાળાકીય અભ્યાસ બાદ રાજકોટ મહિલા કોલેજમાં બીએસસી કર્યું.અભ્યાસ ચાલુ હતો ત્યાં જ સગાઈ થઈ અને લગ્ન થયાં. થોડા સમય બાદ મુંબઈ અને ત્યારબાદ પૂના ગયા. પતિની જોબના કારણે 1992ની સાલમાં એક દીકરા સાથે દંપતી અમેરિકા શિફ્ટ થયા.અમેરિકા પહોંચ્યા પછી દીકરા, દીકરીનો જન્મ થયો. થોડા વર્ષ જીવન સામાન્ય ચાલ્યું. બાળકો મોટા થયા એટલે પોતાને સમય મળવા લાગ્યો. એટલે કંઇક કરવાનું નક્કી કર્યું.થોડા સમય જોબ કરી અને ત્યાર બાદ ફિલાડેલ્ફિયા ખાતે પૂર્વી ફૂડ્સના નામે ગ્રોસરી સ્ટોર શરૂૂ કર્યો. આ સમય દરમિયાન પણ ઘણાં સારા અનુભવો થયાં.
પોતાના પ્રવાસના પ્રારંભ વિશે તેઓ જણાવે છે કે 2011ની સાલમાં પતિને બિઝનેસ અર્થે પાકિસ્તાન જવાનું થયું ત્યારે થોડી ચિંતા થઈ, આમ છતાં કામ માટે જવું પડે એમ હતું એટલે બે વખત તેઓ એકલા પાકિસ્તાન ગયા. 2011 અને 2018 એમ બંને વર્ષની ટુરમાં હું પણ જોડાઈ. પ્રથમ ટુરમાં પાકિસ્તાન માટેનો ડર દૂર થયો અને ત્યાર પછીની ટૂરમાં હું ફરી એ જ સ્ટુડન્ટ બની જે ખરેખર સ્કૂલમાં ભણતી ઇતિહાસ, ભૂગોળના ક્લાસની વિદ્યાર્થિની હતી.આ બીજી ટુરમાં ડર એટલો બધો નીકળી ગયો કે પેશાવર સુધી પતિના સાથ વગર એકલા લોકલ લોકો સાથે જઈ આવી. ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ત્યાં જે લોકો છે તે આપણા જેવા જ છે,પ્રેમાળ છે અને ભારત પ્રત્યે લાગણી ધરાવે છે. ફરી વાર જ્યારે ઇસ્લામાબાદ ગયા ત્યારે જ ઓસામા બિન લાદેનને મારવામાં આવ્યો હતો જેથી વાતાવરણ થોડું ગંભીર હતું. શહેરમાં સન્નાટો હતો. દરેક જગ્યાએ ડોગ્સ સ્ક્વોડ,પોલીસ એમ્બ્યુલન્સ, આર્મી, ટ્રક્સ વગેરે હતા આવા પરિસ્થિતિમાં પણ હું લોકલ સાહેલીને લઈ પતિની જાણ બહાર આખું શહેર ફરી આવી.આ તો શરૂૂઆત હતી.હવે બિઝનેસ માટે પતિ જ્યારે બહાર જતાં ત્યારે હું પણ એમની સાથે જવા લાગી. આ રીતે 50થી વધુ દેશોની સફર કરી છે.જેમાં યુરોપના દેશો, પ્રાગ, જર્મની, પેસિફિક આયલેન્ડ, એન્ટાર્કટીકા વગેરે અનેક દેશોમાં વધારે જાણીતી ન હોય એવી જગ્યાઓએ અમે ફરતા.પતિ સવારે કામ માટે નીકળી જાય પછી કેમેરા, પાણીની બોટલ થેલામાં લઈને નીકળી જતી.
પોતાના સંસ્મરણો યાદ કરતા તેઓએ જણાવ્યું કે પ્રવાસના કારણે મારો ડર દૂર થયો છે.અજાણ્યા લોકો,અજાણી જગ્યા,અજાણી ભાષા હોય છે આમ છતાં રસ્તા નીકળી જાય છે. કેમેરા સાથે હોય એટલે ફોટા પાડી લઉં છું. દેશ જુદા હોય પણ લોકોમાં જે લાગણી હોય છે તે દરેક જગ્યાએ સરખી જોવા મળે છે. દરેક જગ્યાએ સારા જ અનુભવ થાય એવું નથી એટલે જ્યારે પણ પ્રવાસ કરો ત્યારે સાવચેતી રાખવી પણ જરૂૂરી છે. નેપાળના પ્રવાસ વખતે રાત્રિના પાછા ફરતા ડ્રાઇવર અજાણ્યા અને અલગ રસ્તા પરથી લઈ ગયા ત્યારે અમે એલર્ટ રહી સાચા રસ્તા પર લઈ જવા માટે જણાવ્યું હતું.
એક અકસ્માતમાં શરીરમાં 14 જેટલા ઓપરેશન આવ્યા જેના કારણે ઓબેસિટી સહિત અનેક શારીરિક મુશ્કેલીઓ ઊભી થઈ. થાક લાગે, ભોજન લઈ ન શકાય, અમુક બાબત ભૂલી જવાય છે આમ છતાં પ્રવાસ કરવાની આદત બની ગઈ છે, શોખ બની ગયો છે. લોકો વિશે, જગ્યા વિશે, તેમના રીત-રિવાજો, સંસ્કૃતિ વિશે જાણવું મને ખૂબ ગમે છે. નિજાનંદ માટે હજુ ભણવાનું ચાલુ જ છે. અત્યારે આર્કિયોલોજીનો અભ્યાસ ચાલે છે. મને યાદ ઓછું રહે છે એટલે પરીક્ષા આપતી નથી. રોજ ભણું છું અને મોજ કરૂં છું. આટલા દેશો ફર્યા બાદ મારું સ્વપ્ન ગંગા કિનારે પરિક્રમા કરવાનું છે.ત્યાંની સંસ્કૃતિને જાણી, ઝીણી ઝીણી બાબતો અનુભવ કરવાનું છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શબ્દો મને નાચતા-ગાતા જોવા મળે છે
કલમ સાથેની મૈત્રીની વાત કરતા તેઓએ જણાવ્યું કે અમુક જવાબદારીના કારણે 2008 ની સાલમાં સ્ટોર બંધ કર્યો ત્યારે લેખન કરવાનું નક્કી કર્યું. ગુજરાતી ભાષા સાથે ઓછા સંપર્કના કારણે થોડી મહેનત પછી ફરીથી લખવાનું શરૂૂ કર્યું. જેમાં અમુક આર્ટિકલ ફૂલછાબ અખબારને મોકલ્યા જેમાં પાકિસ્તાન પ્રવાસ વિશેની કોલમ પણ હતી. આ લેખન યાત્રા ખૂબ જ સુંદર રહી છે હજુ પણ લેખન કામગીરી ચાલુ જ છે. દરેક જગ્યાએ મને શબ્દો નાચતા-ગાતા જોવા મળે છે. મધ્યપ્રદેશના હિન્દી ન્યૂઝ પેપરમાં,નવનીત સમર્પણ, અખંડઆનંદ મેગેઝીન વગેરેમાં લેખો આવ્યા છે.
ઘર બહાર નીકળતાં પહેલાં મનના કોચલામાંથી બહાર નીકળો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે ઘરની બહાર નીકળો, ઘરનો ઉંબરો ઓળંગશો તો ખ્યાલ આવશે દુનિયા બહુ વિશાળ છે. સંકોચિત મગજ સાથે નહીં ફરતા.લોકોને જાણવા-સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કરજો.એ પળને માણવાનો તમારી જાતને મોકો આપો. ઓબેસિટીના કારણે ઘણા સારા-નરસા અનુભવો થાય છે. આપણે મોટાભાગે બહારનું શરીર જોઈએ છીએ પરંતુ અંદર રહેલ સુંદર વ્યક્તિત્વને પણ મહત્વ આપો. ઘરની બહાર નીકળો એ પહેલાં મનના કોચલામાંથી બહાર નીકળો.
