શાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસે

મનપા દ્વારા કોઈપણ સ્થળે ડિમોલિશનની કામગીરી કરવામાં આવે તે પહેલા વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાતો હોય છે તેવી જ રીતે આ વિસ્તારનાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ…

મનપા દ્વારા કોઈપણ સ્થળે ડિમોલિશનની કામગીરી કરવામાં આવે તે પહેલા વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાતો હોય છે તેવી જ રીતે આ વિસ્તારનાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ આ મુદ્દે તંત્રને રજૂઆત કરી અસરગ્રસ્તોની વ્હારે આવતાં હોય છે પરંતુ ઈતિહાસના સૌથી મોટા જંગલેશ્ર્વર ડિમોલિશન સમયે શાસક-વિપક્ષના નેતાઓ તેમજ તે વિસ્તારનાં લોકોના મતથી ચુંટાયેલા નગરસેવકો વહેલી સવારથી જ ગાયબ થઈ ગયા થઈ ગયા હતાં અને નગરસેવકોને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે જ કોર્પોરેશનમાં મોકલેલા તેવા તમામ મતદારો અધિકારીઓનાં ભરોસો જોવા મળ્યા હતાં.

જંગલેશ્ર્વરમાં આજે મેગા ડિમોલિશન દરમિયાન આજે વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન થવાની શકયતાઓ જોવાઈ રહી હતી. તેમજ છેલ્લા પાંચ દિવસથી ડિમોલિશન અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન અમુક વિપક્ષી નેતાઓએ દેખાવ પુરતો જ વિરોધ કરી મતદારોને વ્હાલા થવાની નીતિ અપનાવી હતી. પરંતુ આજે સવારે ડિમોલિશન ટાણે એક પણ વિપક્ષી નેતા કે શાસક પક્ષના નેતાઓ અને આ વિસ્તારનાં કોર્પોરેટરો પણ સ્થળ ઉપર દેખાયા ન હતાં. તેવી જ રીતે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ એસી ચેમ્બરમાં બેસી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરતાં ચેરમેન-મેયર સહિતના પદાધિકારીઓ પણ આજે કોર્પોરેશન કચેરી ખાતે ડોકાયા પણ ન હતાં. કારણ કે અમુક અસરગ્રસ્તો આજે પણ રજૂઆત કરવા આવે તેવો ડર લાગતાં તેઓ ઘેરહાજર જોવા મળ્યા હતાં.

જ્યારે તમામ સ્ટાફ ડિમોલિશનમાં હાજર હોવાથી કોર્પોરેશન કચેરી સુમસામ જોવા મળી હતી. છેલ્લા 30 વર્ષથી એકજ સ્થળે રહેતાં અને નેતાઓને ચુંટીને મોકલતા લોકોને મનમાં મોટી આશા હતી કે અમારા પ્રતિનિધિઓ અમારી મદદે આવશે. પરંતુ લોકાર્પણ સહિતના કામોમાં સ્થાનિકો સાથે ફોટા પડાવી જશ ખાટતા નેતાઓ આજે શોધ્યા જડતાં ન હોતા ત્યારે અમુક લોકો દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી કે મત માંગતી વખતે તમામ પ્રકારના પ્રલોભનો અને અડધી રાતે ફોન કરો તો દોડીને આવશું તેવા વચનો આપનાં નગરસેવકોના આજે મોબાઈલ પણ બંધ આવ્યા હતાં. જે વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચુંટાયા હોય તે વિસ્તારનાં લોકોને કાળજી રાખવાની ફરજ દરેક કોર્પોરેટરની છે. ડિમોલીશન રોકાવી ન શકે તો કંઈ નહીં પરંતુ સહિયારો આપવા પણ એક પણ નગર સેવક ન આવતાં લોકોમાં નારાજગી સાથે ભારોભાર રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *