શાળાઓમાં રજા રખાવી અને તિરંગા યાત્રામાં બાળકોને બળજબરીથી લઈ આવ્યાના આક્ષેપથી ચકચાર
રાજકોટમાં આજે યોજાયેલી ત્રિરંગા યાત્રા દેશપ્રેમની પ્રેરણા જગાવવા માટે નહીં પરંતુ ભાજપના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની રાજકીય વાહવાહી માટે એક મંચ બની ગઈ તેવા કોંગ્રેસના યુવાનેતા રોહિતસિંહ રાજપૂતે આક્ષેપો કર્યા હતા.
રાજપૂતે જણાવ્યુ હતું કે સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્કૂલોનુ ચાલુ શૈક્ષણિક હોવા છતાં આ યાત્રામાં સામેલ કરવામાં આવ્યા. આથી હજારો વિદ્યાર્થીઓનુ એક દિવસનું શૈક્ષણિક કાર્ય બગડ્યું તે શરમજનક બાબત કહેવાય.બાળકોનો શૈક્ષણિક સમય જે તેમના ભવિષ્યના ઘડતર માટે અનમોલ છે તેને માત્ર રાજકીય કાર્યક્રમમા મોટી સંખ્યાઓની તસવીરો લેવા અને મંચ પરના નેતાઓને સારું લગાડવવા કરવામાં તે દુ:ખદ બાબત કહેવાય.
તે ઉપરાંત જિલ્લા અને શહેરની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ફરજિયાત આ કાર્યક્રમમા બોલાવવામાં આવ્યા. પરિણામે રોજિંદા નાના-મોટા વહીવટી કામ માટે આવનારા સામાન્ય નાગરિકોને કચેરીઓના ખાલીખમ જોવા મળતા હેરાનગતિ અનુભવી પડી હતી.સામાન્ય નાગરિકો આવા કાર્યક્રમોથી લેવા દેવા હોતું નથી સરકાર પાસેથી પોતાના સુખાકારી માટે પ્રાથમિક સુવિધાઓ અને જરૂૂરી અસરકારક પગલાંઓ લેવાની અપેક્ષા રાખે છે ના કે તેમના જ ટેક્સના પૈસે તેમને હેરાનગતિનો સામનો કરવો પડે.
અમે દેશપ્રેમના કાર્યક્રમોના વિરોધી નથી ત્રિરંગા અને ભારત માતા પ્રત્યેનો ગૌરવ દરેક ભારતીયના દિલમાં સહજ રીતે વસેલો છે. પરંતુ, દેશપ્રેમના નામે રાજકીય લાભ મેળવવો, બાળકોના શિક્ષણમાં અવરોધ ઊભો કરવો અને સામાન્ય લોકોના હકના કાર્યો અટકાવવું એ દેશપ્રેમ નહીં પરંતુ જાહેર હિત સાથેનો છેડછાડ છે તે માટે અમે લોકો સમક્ષ આ મુદ્દો ઉજાગર કરીને આવા તાયફાઓનો ખુલ્લેઆમ વિરોધ કરી છે.
રોહિતસિંહે અંતમા જણાવ્યુ હતું કે ભાજપ સરકારને યાદ રાખવું જોઈએ કે ત્રિરંગાની શાન લોકોના દિલમાં જગાડવાથી વધે છે, મંચ પરથી મંત્રીઓની વાહવાહી મેળવવાથી કે હાઈકમાન્ડને સારી રિલ્સ બતાવવાથી નહીં. સાચો દેશપ્રેમ એ છે કે બાળકોને શિક્ષિત બનાવો, નાગરિકોને તમામ પ્રાથમિક માળખાગત સુવિધા આપો અને સરકારી મશીનરીને જનસેવા માટે કાર્યરત રાખો. અમે આશા રાખી કે ફરીથી આવા રાજકીય તાયફાઓથી કોઈને હેરાનગત ના થાય તેવુ સરકાર વિચારશે.
