જામનગર નજીકના ધુંવાવ ગામની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિએ સભાનું સંચાલન કરતાં વિવાદ સર્જાયો છે. 15મી ઓગસ્ટની સાંજે 5 વાગ્યે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજન નિલેશભાઈ પરમારે વાંધો ઉઠાવ્યો હતો.
નિલેશભાઈએ રજૂઆત કરી હતી કે સરપંચ જશોદાબેનને બદલે તેમના પતિ કાનજીભાઈ પરમાર અધ્યક્ષસ્થાને બેઠા છે. તેમણે તલાટી સમક્ષ માંગણી કરી કે સરપંચ જશોદાબેન પોતાનું સ્થાન ગ્રહણ કરે અને જવાબદારી નિભાવે.
આ મુદ્દે સભામાં હોબાળો મચ્યો હતો અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. કોઈએ 100 નંબર પર ફોન કરતાં પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ નિલેશભાઈને પંચકોશી-એ ડિવિઝન મથકે લઈ ગઈ હતી.
ગ્રામ પંચાયતના ચાર સભ્યો અને તાલુકા પંચાયતના એક સભ્ય સહિત અનેક ગ્રામજનોની સહી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સરપંચના પુત્ર કેયુર, માંડણભાઈ મેર, એક મુસ્લિમ શખ્સ અને ગિરધરભાઈ સામે બોચો પકડવા, ઢસડવા અને માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરપંચના પતિ કાનજીભાઈ પરમાર તાલુકા ભાજપના સંગઠનમાં મહામંત્રી તરીકે કાર્યરત છે.
