HSRP નંબર પ્લેટના નિયમ તોડનાર ડિલર્સ પર RTOના ગમે ત્યારે દરોડા

  ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં થતી ગેરરીતિઓ સામે પરિવહન વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્યભરના વાહન ડીલર્સને ત્યાં RTOની ઓચિંતી તપાસ…

 

ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં થતી ગેરરીતિઓ સામે પરિવહન વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્યભરના વાહન ડીલર્સને ત્યાં RTOની ઓચિંતી તપાસ થશે અને નિયમોનો ભંગ કરનારા ડીલર્સ સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતભરમાં ઓટોમોબાઈલ ડીલર્સ દ્વારા વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવાની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ સામે હવે પરિવહન વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર સ્થિત પરિવહન કમિશનરની કચેરીના આદેશ બાદ રાજ્યભરના વાહન ડીલર્સના ત્યાં અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન ફરજિયાત નોન-રિમૂવેબલ સ્નેપ-લોકના બદલે સામાન્ય રિવેટનો ઉપયોગ કરીને નંબર પ્લેટ લગાવાતી હોવાનું જણાશે તો સંબંધિત ડીલર્સ સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમનાં ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ તપાસમાં ટુ વ્હીલર, કાર તેમજ કોમર્શિયલ વાહનોની ડીલરશિપને આવરી લેવામાં આવશે. આરટીઓના અધિકારીઓને ગ્રાહકોના રેકોર્ડની પણ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં વાહનની વિગતો, આધારની માહિતી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), મોબાઈલ નંબર અને ડીલર્સનાં ટ્રેડ સર્ટિફિકેટની માન્યતાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન અનેક વાહનોની એચએસઆરપી ઢીલી પડીને નીકળી જવાની અને પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આ સમસ્યાથી અસરગ્રસ્ત વાહન માલિકોએ નંબર પ્લેટ બદલાવવા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આરટીઓનો સંપર્ક કર્યો હતો. આ અંગે અગાઉ અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યાર બાદ હાથ ધરાયેલી તપાસમાં કેટલીક અધિકૃત ડીલરશિપ દ્વારા ઈન્સ્ટોલેશનનો ખર્ચ ઘટાડવા માટે નિર્ધારિત સ્નેપ-લોક મિકેનિઝમના બદલે સસ્તા અને સામાન્ય રિવેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *