બે અરજીઓ નામંજૂર અને 4 સંસ્થાઓની સમયસર અરજી નહીં મળી હોવાનો અહેવાલ સબમીટ કરાયો
જામનગર જિલ્લાના કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લાની 29 ગૌશાળાઓ અને પાંજરાપોળ માટે કુલ રૂૂ. 3.23 કરોડની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. કલેકટર કેતન ઠક્કરે પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના હેઠળ આવેલી અરજીઓને ધ્યાને લઈને આ સહાય મંજૂર કરી છે.આ યોજના હેઠળ ઓક્ટોબર-2024 થી ડિસેમ્બર-2024 (ત્રીજો હપ્તો વર્ષ 2024-25)ના કુલ 92 દિવસ માટે પ્રતિદિન રૂૂ. 30/- લેખે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી કુલ 33 સંસ્થાઓની અરજીઓ મળી હતી.
જેમાંથી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1,000 થી ઓછી ધરાવતી કુલ 27 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરીને ચુકવણી માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જ્યારે ઠરાવની શરતો પૂર્ણ ન કરતી હોવાથી 2 સંસ્થાઓની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી અને 4 સંસ્થાઓએ નિર્ધારિત સમય મર્યાદામાં અરજી રજૂ કરી ન હતી.
તે જ રીતે જાન્યુઆરી-2025 થી માર્ચ-2025 ના 90 દિવસ માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ 32 સંસ્થાઓએ અરજી કરી હતી. તેમાંથી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1,000 થી ઓછી ધરાવતી કુલ 29 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરીને ચુકવણી માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી દેવામાં આવી છે. જ્યારે ઠરાવની શરતો પૂર્ણ ન કરતી હોવાથી 2 સંસ્થાઓની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી અને અન્ય 1 સંસ્થાએ ડુપ્લિકેટ અરજી કરી હતી.આમ, જિલ્લામાંથી કુલ 29 સંસ્થાઓના ત્રીજા તબક્કાના 5,821 પશુઓ માટે પ્રતિદિન રૂૂ.30/- પ્રતિ પશુ લેખે રૂૂ. 1,60,65,960 અને ચોથા તબક્કાના 6,031 પશુઓ માટે પ્રતિદિન રૂૂ.30/- પ્રતિ પશુ લેખે રૂૂ. 1,62,83,700 મળીને કુલ રૂૂ. 3,23,49,660 ની સહાય કલેકટર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને આ રકમ ચુકવણી માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લા, જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ, સભ્ય સચિવ અને નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જામનગર ઉપસ્થિત રહ્યા હતા. આ મંજૂર થયેલી સહાયથી જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટે મોટી મદદ મળશે.
