ડેબિટ કાર્ડ પર લોન કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધાના નામે રૂા.9.62 કરોડની ઠગાઈ

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી આનંદનગર કોલોનીમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયા (ઉં.વ.37) અને તેમના પરિવારજનો તેમજ મિત્રો સાથે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોન અને…

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી આનંદનગર કોલોનીમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયા (ઉં.વ.37) અને તેમના પરિવારજનો તેમજ મિત્રો સાથે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોન અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂૂા.9.62 કરોડની મહાઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે માધાપર ચોકડી પાસે આવેલ ગોલ્ડન પોર્ટિકો ટાવરમાં રહેતા આરોપી હાર્દિક તુલસીદાસભાઈ તન્ના વિરુદ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, વર્ષ 2022માં સાગરભાઈના મકાનમાં ભાડે રહેતા નૈમિષ નગદીયાના બનેવી હાર્દિક તન્ના સાથે સાગરભાઈનો પરિચય થયો હતો. તે સમયે ઢેબર રોડ પર ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા હાર્દિકે પોતાની સ્કીમ સમજાવતા કહ્યું હતું કે, તે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોન કરાવવાનું અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરે છે. જેમાં રોકડની જરૂૂરિયાતવાળા ગ્રાહકોને લોનના 80 ટકા રોકડા આપવામાં આવે છે અને 20 ટકા કમિશન મળે છે. શરૂૂઆતમાં આરોપીએ સાગરભાઈ પાસેથી રૂૂા.80 હજાર મેળવી 10 દિવસમાં 10 ટકા વળતર સાથે રૂૂા.90 હજાર પરત આપ્યા હતા. ત્યારબાદ વધુ વ્યવહારોમાં પણ સમયસર નાણાં ચૂકવીને આરોપીએ સાગરભાઈનો સંપૂર્ણ વિશ્વાસ કેળવી લીધો હતો.

વિશ્વાસ બેસી જતાં સાગરભાઈએ પોતાની બચત અને લોન લઈને વર્ષ 2025 સુધીમાં કટકે-કટકે બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા રૂૂા.2.70 કરોડ આરોપીના ધંધામાં રોક્યા હતા. દરમિયાન ઓક્ટોબર 2023માં આરોપી હાર્દિકે શીતલ પાર્ક સર્કલ પાસે આર.કે. વર્લ્ડ ટાવરમાં ’દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ’ નામે ભવ્ય ઓફિસ શરૂૂ કરી સાગરભાઈ અને તેમના સંબંધીઓને આમંત્રણ આપી વધુ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આથી સાગરભાઈએ પોતાના મોટા બાપુ, પિતરાઈ ભાઈ, કાકાના દીકરા અને બનેવી સહિત સાત કૌટુંબિક સભ્યો પાસેથી મળીને કુલ રૂૂા.5.03 કરોડથી વધુની રકમ મેળવી આરોપી હાર્દિકને રોકાણ અર્થે આપી હતી.

આ ઉપરાંત સાગરભાઈના મિત્રો મહેશભાઈ, મયંકભાઈ અને અભિષેકભાઈએ પણ વળતરની લાલચમાં રૂૂા.1.88 કરોડનું રોકાણ કર્યું હતું. આ રીતે આરોપી હાર્દિક તન્નાએ સાગરભાઈ, તેમના પરિવાર અને મિત્રો પાસેથી કુલ રૂૂા.9.62 કરોડ મેળવી લીધા હતા. થોડો સમય વીત્યા બાદ આરોપીએ કરાર મુજબ વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને મૂળ મુદ્દલ રકમ પણ પરત ન આપી ફોન બંધ કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સાગરભાઈએ ગાંધીગ્રામ-2 પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી હાર્દિક તન્ના સામે ગુનો દાખલ કરી તેની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *