ત્રિકોણબાગ ચોક પાસે ધમધમતા વિસ્તારમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, એકે અંદર ચોરી કરી પાંચ શખ્સોએ બહાર પહેરો ભર્યો
માત્ર 20 મિનિટમાં શટ્ટર ઉંચકાવી 100થી વધુ મોંઘી ઘડિયાળો ઉઠાવી તસ્કર ટોળકી ગાયબ
રાજકોટ શહેરમા 24 કલાક ધમધમતા એવા ત્રિકોણબાગથી યાજ્ઞિક રોડ પર ચોરીની મોટી ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યે ત્રિકોણબાગ પાસે ગેસ્ફોર્ડ ટોકીઝની સામે આવેલા ટાઇટન ઘડીયાળનાં શોરૂમમા તસ્કરો ત્રાટકયા હતા અને માત્ર ર0 મિનીટમા શટ્ટર ઉંચકાવી અંદર રહેલી 100 થી વધુ મોંઘી દાટ ઘડીયાળ અને રોકડ રૂપીયા 4 લાખ સહીત અંદાજીત રૂ. 70 લાખની ચોરી થયાની ઘટના સામે આવતા સ્થાનીક પોલીસ એ ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમજ સીસીટીવી ફુટેઝના ંઆધારે તેમા દેખાતા તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામા આવી છે.
બનાવની વધુ વિગતો મુજબ ત્રિકોણબાગ પાસે ગેસ્ફોર્ડ ટોકીઝની સામે અને સેલના પેટ્રોલ પંપની બાજુમા આવેલા ટાઇટન શોરૂમમા વહેલી સવારે ચોરીની ઘટના બનતા એ ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ, ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા, ક્રાઇમ બ્રાંચ અને તેની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમયે ત્યા હાજર શોરૂમનાં માલીક એવા રવીભાઇ ચોટાઇએ જણાવ્યુ હતુ કે આજે સવારે નિત્યક્રમ મુજબ 10 વાગ્યે શોરૂમ ખોલ્યુ ત્યારે કર્મચારીઓ અંદર ગયા ત્યારે જાણ થઇ કે અંદર મોંઘી દાટ ઘડીયાળ અને રોકડની ચોરી થઇ છે. ત્યારબાદ તુરંત સ્થાનીક પોલીસને જાણ કરવામા આવતા એ ડીવીઝન પોલીસનાં પીઆઇ આર. જી. બારોટ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. રવીભાઇએ જણાવ્યુ હતુ કે પોતે ઘણા સમયથી અહીં શોરૂમ ધરાવે છે અને ટાઇટન સહીતની બ્રાન્ડેડ કંપનીની ઘડીયાળને વેચી વેપાર કરે છે.
શોરૂમમા અંદર તપાસ કરતા શોરૂમની અંદરથી 100 થી વધુ બ્રાન્ડેડ ઘડીયાળ અને ચારેક લાખ રૂપીયા રોકડ જોવા મળ્યા ન હતા. આમ કુલ રૂ. 70 લાખ મતાની ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ. આ ચોરીની ઘટનામા એ ડીવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફુટેજ જોતા તેમા છ લોકો નજરે પડયા હતા જેમા તેઓ સૌ પ્રથમ શોરૂમની શટ્ટર વચ્ચેથી ઉંચુ કરી અને બાદમા એક વ્યકિત અંદર પ્રવેશી ચોરીને અંજામ આપે છે અને બાકીના પાંચ તસ્કરો શોરૂમની બહાર ઉભા રહી પહેરો ભરે છે. હાલ છ શખ્સોની ઓળખ મેળવવા અલગ અલગ ટીમો બનાવવામા આવી છે. તસ્કરો માત્ર ર0 મિનીટમા શટ્ટર ઉંચકાવી અને ચોરીને અંજામ આપી ભાગી ગયા હોવાનુ સીસીટીવી ફુટેજમા દેખાતુ હોવાનુ એસીપીએ જણાવ્યુ હતુ.
ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડ અને ફીંગરપ્રિન્ટસ નિષ્ણાંતની મદદ લેવાઇ
ટાઇટનનાં શોરૂમમાથી મોંઘીદાટ ઘડીયાળ અને રોકડ સહીત અંદાજીત 70 લાખની ચોરીના તસ્કરોને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઇ છે ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસની ટીમોએ ફીંગરપ્રિન્ટસ નિષ્ણાંત, એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદ લીધી હતી. જેમા ડોગ દરવાજાની આજુબાજુ તેમજ ત્યાથી પ0 મિટર દુર જઇને અટકી જતો હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ તેમજ આ ચોરીની ઘટનામા કોઇ જાણભેદુ હોવાની શંકાએ પણ તપાસ ચાલી રહી હોવાનુ પોલીસમાથી જાણવા મળ્યુ છે.