ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા હતા. ટ્રાન્સપોર્ટર પોતાનો ફ્લેટ બંધ કરી રાજકોટ રહેતા માતા-પિતાને મળવા આવ્યા હતા ત્યારે બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
ઘટનાની મળતી માહિતી મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્કૂલ વાળી શેરીમાં આવેલા ’વ્રજ વાટીકા એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે રૂૂમ નંબર 404 માં રહેતા ટ્રાન્સપોર્ટર રાજદીપભાઈ નંદલાલભાઈ ઉજીયા તારીખ 26/04/2026 ના સાંજના 4:30 વાગ્યાથી તારીખ 27/04/2026 ના સવારના 8:30 વાગ્યા દરમિયાન, ફ્લેટ બંધ કરી રાજકોટ રહેતા માતા પિતાને મળવા પરિવાર સાથે ગયા ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ફ્લેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં પ્રવેશ્યા બાદ બેડરૂૂમમાં રાખેલા કબાટના દરવાજા ખોલી, તેમાંથી તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના જેની અંદાજિત કિંમત રૂૂપિયા 6,00,000 જેટલી થાય છે. તેમજ કબાટમાં રાખેલા રોકડા રૂૂપિયા 1,00,000.
આમ, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂૂપિયા 7 લાખ ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
પી.આઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય. આ ઘટનાએ ગોંડલ જેવા શાંત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર ચિંતા જન્માવી છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ કરી છે.
