રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના ખાડા બૂરવા રૂ.440 કરોડ ખર્ચાયા

રાજકોટના રસ્તા પાછળ વર્ષે કરોડો રૂૂપિયા નાખવા છતાં દર ચોમાસે હાડપીંજર બની જાય છે. કહેવાય છે કે, મનપા દ્વારા અપાતા ડામર રોડના કોન્ટ્રાક્ટમાં મસમોટી ‘મલાઇ’…

રાજકોટના રસ્તા પાછળ વર્ષે કરોડો રૂૂપિયા નાખવા છતાં દર ચોમાસે હાડપીંજર બની જાય છે. કહેવાય છે કે, મનપા દ્વારા અપાતા ડામર રોડના કોન્ટ્રાક્ટમાં મસમોટી ‘મલાઇ’ તારવી લેવામા આવે છે. કોર્પોરેટરથી માંડી વોર્ડના ઇજનેર, સંબંધિત વિભાગના અધિકારી, પદાધિકારી સહિત છેક ઉપર સુધી ‘મલાઇ’ની ફિક્સ ટકાવારી હોય છે. જેના પાપે ટકાવારીનો આ ખર્ચ કાઢવા માટે કોન્ટ્રાક્ટ ડામર રોડમાં લોટ, પાણી અને લાકડાં કરતા હોય તેવી સ્પષ્ટ આશંકા એટલા માટે જાય છે કે, સામાન્ય વરસાદમાં તો રોડની હાલત બે-હાલ થઇ જ જાય છે પણ જો એકસાથે પાંચથી છ ઇંચ વરસાદ પડે એટલે ભ્રષ્ટાચાર મોઢુ ફાડીને બહાર નીકળે એની પાકાપાયે ગેરન્ટી! રોડમાં ચાલતા આ ભ્રષ્ટાચારના પાપે છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા રિપેરિંગ, રિ-કાર્પેટ પાછળ પ્રજાના પરસેવાની કમાણીના અધધધ રૂૂ.440 કરોડ ખર્ચાઇ ગયા હોવાનો સતાવાર આંકડો બહાર આવ્યો છે.

ગત જનરલ બોર્ડમાં વોર્ડ નં.16ના મહિલા નગરસેવક દિપ્તીબેન સોલંકીએ છેલ્લા પાંચ વર્ષમાં રોડ રિપેરિંગ સંબંધી સવાલો પુછયા હતા. 2020-2021થી 2025-26 અને ચાલુ નાણાકીય વર્ષ 2026-2027માં અત્યાર સુધી રોડ રિપેરિંગ, ચરેડા બુરવા, વરસાદમાં ધોવાણ થયેલા રોડના ગાબડાં બુરવા માટે કેટલો ખર્ચ થયો તેનો હિસાબ માગ્યો હતો. જે સતાવાર આંકડો તંત્રે આપ્યો છે જાણીને-જોયને આંખો પહોળી થઇ જાય તેવો ખર્ચ સામે આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર રોડ રિપેરિંગ પાછળ રૂૂ.440 કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે. ક્યા વર્ષમાં કેટલા કરોડ રોડના ભ્રષ્ટાચારના ગાબડાંમાં ધરબાયો તેના પણ સતાવાર આંકડા અહીં રજૂ કર્યા છે.

મંજૂરીની અપેક્ષાએ લાખોના બિલો બારોબાર પાસ!
સામાન્ય રીતે કોઈપણ મોટા ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. પરંતુ અહીં ’મંજૂરીની અપેક્ષાએ’ લાખો રૂૂપિયાના ખર્ચાઓ બારોબાર કરી દેવાયા હોવાની પણ સતાવાર વિગત સામે આવી છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરોના બિલોના નાણાં પણ ચૂકવાઈ ગયા બાદ દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવી હોવાના શંકાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા છે.

‘ગેરન્ટેડ’ રોડ પણ બન્યા હાડપીંજર, ક્યા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેર થયા તેની વિગત છુપાવાઇ
બે કે ત્રણ વર્ષની ગેરેન્ટી સાથે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેર કરવાની જોગવાઇ સાથેના કેટલાક નવાનકોર રસ્તા પણ ધોવાઇને હાડપીંજરથી પણ બદતર થઇ ગયા છે. આવા ગેરેંટેડ રસ્તા ક્યા અને કેટલા બન્યા છે? તેવો સવાલનો જવાબ આપવામા પણ બાંધકામ શાખાના ઇજનેરો ગલાતલા કરી રહ્યા છે. ડામર રોડના કોન્ટ્રાક્ટરો મોટાભાગે રાજકીય ઓથ ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ગેરેન્ટેડ રોડમાં ગાબડાં પડ્યા? કોન્ટ્રાક્ટરના ખર્ચે કેટલા રસ્તા રિપેર થયા? તેની વિગત પણ જાહેર કરવામા આવી નથી.

પાઘડીનો વળ છેડે આવતા અન્ય વિકાસ કામમાં કાતર મુકીને કરવા પડ્યા ‘હેડ ફેર’
રાજકોટની એ કબનસીબી છે નવો રોડ બન્યો હોય તેને વર્ષ પણ ન થયુ હોય ત્યા તો તેમાથી ધુળ, માટી અને ઢેફા બહાર મોઢા ફાડીને નીકળે છે. રોડમાં નાંખો એટલા રૂૂપિયા ઓછા પડે છે. આવુ જ રાજકોટ મનપાનો વહીવટ છે. રસ્તા પરના ભ્રષ્ટાચારના ખાડા બુરવા માટે ખર્ચાઓ કરાયા બાદ પાઘડીનો વળ છેડે આવે છે. પરિણામે અન્ય વિકાસ કામમાં કાતર મુકી, અન્ય જોગવાઇમાંથી હેડ ફેર કરીને રોડ રિપેરિંગ માટે ખર્ચવા પડે તેવુ પાછળા પાંચ વર્ષમાં બન્યુ છે.

બે વર્ષમાં પ્રસિધ્ધિ માટે મંજૂરી વગર 16.76 કરોડ ‘સ્વાહા’
સમાજ કલ્યાણ-સાંસ્કૃતિક વિભાગ હસ્તક ટેન્ડર બહાર પાડ્યા વગર છુટક ખર્ચાઓ દેખાડવાનો ખેલ : વૈભવી સમારંભ, રજવાડી ભોજનિયા પાછળ લખલૂંટ ખર્ચા : પ્રસિધ્ધિ માટે બે વર્ષમાં યોજાયા 89થી વધુ કાર્યક્રમો

રાજકોટ મહાનગર પાલિકાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર હિત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નામે યોજાતા વિવિધ પ્રોગ્રામો હંમેશા ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. લોકહિત કે સમાજ કલ્યાણના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ ચર્ચાઈ રહી છે કે આવા કાર્યક્રમોથી સામાન્ય જનતાને જેટલો લાભ થાય છે, તેનાથી વધુ લાભ સંબંધિત ’કટકીબાજો’ અને વહીવટદારોને થાય છે. છેલ્લા બે વર્ષમાં જ સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલા ભવ્ય તાયફાઓ પાછળ રૂૂ. 19.41 કરોડનો આંકડો સત્તાવાર રીતે સામે આવ્યો છે. તેમાથી ટેન્ડર બહાર પાડ્યા વગર કે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લીધા વગર ‘રેટ કોન્ટ્રાક્ટર’ના ‘વહીવટ’માં રૂૂ.16 કરોડ 76 લાખ બારોબાર વાપરી નાંખવામા આવ્યા હોવાની એક ચોંકાવનારી સતાવાર માહિતી પણ સામે આવી છે.

મહાનગરપાલિકાના ગત જનરલ બોર્ડની બેઠક દરમિયાન વોર્ડ નંબર 15ના મહિલા કોર્પોરેટર સુધાબા વાઘેલા દ્વારા સમાજ કલ્યાણ હસ્તકના સાંસ્કૃતિક પ્રોગ્રામો અને તેના ખર્ચ અંગે લેખિત માહિતી માંગવામાં આવી હતી. સત્તાવાર વિગતો મુજબ, છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં મનપા દ્વારા ડાયરો, સંગીત સંધ્યા, લોકાર્પણ-ઉદ્ઘાટન સમારંભો તેમજ અન્ય ભવ્ય સ્ટેજ પ્રોગ્રામો સહિત 90થી વધુ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ તાયફાઓ પાછળ કૂલ રૂૂ. 19,41,00,000 (રૂૂ. 19.41 કરોડ)નો મસમોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ ખર્ચમાંથી રૂૂ.16 કરોડ, 76 લાખનો ખર્ચ સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી વગર જ બારોબાર કરી નાખવામા આવ્યો છે. કોઇ ટેન્ડર પ્રક્રિયા થઇ નથી, રેટ કોન્ટ્રાક્ટની ગોઠવણમાં ખર્ચ બારોબાર કરી નાખવામા આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *