પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ
ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં રહેતાં યુવકના ખડવંથલી ગામે આવેલા મકાનમાંથી રોકડ સહિત રૂા.3.18 લાખની ચોરી થઈ હોય જે ચોરી યુવકના પાડોશમાં રહેતાં તેના મિત્રએ કરી હોવાનું ખુલ્યું હતું. રોકડ રકમ પરત આપી દેવાના વાયદા કરનાર પાડોશીએ ચોરીની રકમ અને મુદ્દામાલ પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ, ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડેથી રહેતાં જિગ્નેશ મનજીભાઈ પરમારની ખડવંથલી ગામે વારસાઈ જમીન આવેલી હોય જે જમીન એકાદ વર્ષ પહેલા વેચીને હરમડીયા ગામની સીમમાં બીજી જમીન લીધી હતી. જેના બદલામાં રૂા.3 લાખ વધ્યા હોય તે ખડવંથલી ગામે મકાનમાં રાખ્યા હતાં.
ગોંડલ ભાડેથી રહેતાં જીગ્નેશભાઈ સાથે સંપર્કમાં આવેલા બાજુની સોસાયટીમાં રહેતાં વિજય ઉર્ફે વિશાલ મગન પરમાર તેનો મિત્ર હોય અવારનવાર તેના ઘરે આવતો જતો હોય ઘરની તમામ બાબતો અને આર્થિક વ્યવહારોથી તે વાકેફ હતો અને ખડવંથલી ગામે પણ તે ત્રણ ચાર વાર આવી ગયો હોય જીગ્નેભાઈને ગોંડલમાં મકાન લેવાની વાત વિજયને કરી હોય અને રોકડ રકમ ખડવંથલી ગામે રાખી હોવાનું જણાવ્યું હતું.
ગત તા.4-9નાં રોજ જીગ્નેશભાઈ અને તેમના પત્ની બન્ને ગોંડલથી ખડવંથલી આવ્યા હતાં અને ઘઉંની ઉપજ પડી હોય તેનું માર્કેટ યાર્ડ ખાતે વેચાણ કરવા ગયા હોય ત્યાંથી ગોંડલ આવી બાદમાં 6/9નાં રોજ બન્ને ગોંડલથી રાજકોટ ખંઢેરી ખાતે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં પુત્ર શિવરાજને તેડવા આવ્યા હતાં ત્યારે રીબડા ગામે પહોંચતાં ભત્રીજા દિવ્યેશ પરમારનો ફોન આવ્યો હતો અને ખડવંથલી ગામે મકાનમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ ત્યાં દોડી ગયા હતાં.
તપાસ કરતાં પાણીના જગમાં રાખેલ ત્રણ લાખની રોકડ તેમજ દાગીના સહિત રૂા.3.18 લાખની મત્તા ચોરી થઈ હોય તપાસ કરતાં આ ચોરી તેના મિત્ર વિજય પરમારે કરી હોવાનું જાણવા મળતાં વિજયને આ બાબતે પુછતાં વિજયે તેનાં મિત્ર ભોજપરા વાળા ધવલ જગદીશ સાગઠીયા સાથે મળી ચોરી કર્યાનું કબુલ્યું હતું અને થોડા સમયમાં રોકડ અને મુદ્દામાલ પરત આપી દેશે તેમ જણાવ્યું હતું. એક મહિના બાદ પણ રૂપિયા કે દાગીના પરત નહીં મળતાં આ મામલે અંતે જીગ્નેશભાઈએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલ તાલુકા પોલીસ મથકનાં પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલા વિજય ઉર્ફે વિશાલ મગન પરમાર અને ધવલ જગદીશ સાગઠીયાની ધરપકડ કરી હતી.
