શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં મોડી રાત્રે અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી રૂ.16,88,000 ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કર 2.40 વાગ્યે ઘરમાં ચોરી કરવા ધૂસ્યો હતો અને 3.02 વાગ્યે લાખોની મતા ઉસેડીને ફરાર થઇ જતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા તાલુકા પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, બાલાજી પાર્ક ખાતે મકાન નંબર 06 માં રહેતા રમેશભાઈ ગાંડુભાઇ સખીયા(ઉ.વ.58) નામના ખેડૂત પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પોતાના પરિવાર સાથે ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે જમી-પરવારીને ઘરમાં હાજર હતા અને રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે પરિવારજનો પોતપોતાના રૂમમાં ઊંઘવા ગયા હતા. રમેશભાઈ અને તેમના પત્ની ભાનુબેન નીચેના ડ્રોઈંગ રૂમમાં સુતા હતા, જ્યારે તેમના બે પુત્રો ધર્મેશ અને મોહિત ઉપરના માળે આવેલ બેડરૂમમાં સુતા હતા.
દરમિયાન સવારે આશરે 6:15 વાગ્યે ભાનુબેન બહારગામ જવા નીકળનાર મોટા પુત્ર ધર્મેશને જગાડવા માટે ઉપરના માળે ગયા હતા.ત્યાં બાલ્કની વાળા રૂમમાં તપાસ કરતાં રૂમમાં આવેલા ત્રણ લાકડાના કબાટના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. ત્રીજા નંબરના કબાટમાં સંતાડીને રાખેલી ચાવી લોકરમાં જ લાગેલી હતી અને લોકર ખુલ્લું હતું. કબાટ તપાસતાં અંદર રાખેલા તમામ દાગીના અને રોકડ રકમ ગાયબ હતા.
તસ્કરો ત્રીજા કબાટમાંથી રૂ.16,80,000ની કિંમતના સોનાના દાગીના, જેમાં સોનાનો હાર, મંગળસૂત્ર, બંગડીઓ, ચેન, વીંટી અને કઈડા મળી કુલ 140 ગ્રામ સોનાના દાગીના, રૂ. 500 ના દરની 16 નોટો મળી કુલ રૂ.16.88 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસનીશ સુત્રોએ જણાવ્યા અનુસાર આ ચોરી રાત્રીના પોણા ત્રણ વાગ્યા આસપાસ થયાનું બહાર આવ્યું છે. આ સમયે બાલાજી પાર્કમાં એક શખસ ચાલીને આવ્યો હતો અને ફરિયાદીની બાજુમાં આવેલા મકાન નં.7 બંધ હોય તેમાંથી ફરિયાદીના ટેનામેન્ટમાં ધૂસ્યો હતો અને માત્ર 22 જ મીનીટમાં ચોરી કરીને ઘરની બહાર નિકળી ગયો હતો. આ શખસ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. જેના આધારે તેનું પગેરુ શોધવા કવાયત આદરી છે.પીએસઆઇ એમ.આઇ. શેખે જણાવ્યું હતું કે,આ ચોરીમાં સંડોવાયેલા તસ્કરને પકડવા તાલુકા પોલીસ મથકની બે ટીમો, ડીસીબી અને પીસીબીની મળી કુલ ચાર ટીમો અલગ-અલગ સ્થળો પર તસ્કરને પકડવા દોડધામ કરી રહી છે. તેમજ સ્થળ પરથી તસ્કરના ફીંગરપ્રિન્ટ મેળવવા એફએસએલની ટીમ અને ડોગ સ્કવોડને પણ બોલાવાઇ છે.
પરિવારે હજુ એક વર્ષ પહેલા જ મકાન ખરીદ્યું હતું!
ફરિયાદી મૂળ લોધિકાના ખાંભા ગામના વતની છે અને વતનમાં માખાવાડ રોડ પર નદીના કાંઠે રહેતા હતા.બાલાજી પાર્ક ખાતેનું આ મકાન સખીયા પરિવારે માત્ર એક વર્ષ પહેલાં જ ખરીદયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
