જેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરી

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સખરેલીયા પ્લોટ વિસ્તારમાં આવેલી જૂની પ્રાથમિક શાળા નજીક રહેતા એક પરિવારના ઊંઘતો રાખી મકાનને નિશાન બનાવી તસ્કરો રૂૂ.1,98,900ના સોના-ચાંદીના દાગીના,…

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સખરેલીયા પ્લોટ વિસ્તારમાં આવેલી જૂની પ્રાથમિક શાળા નજીક રહેતા એક પરિવારના ઊંઘતો રાખી મકાનને નિશાન બનાવી તસ્કરો રૂૂ.1,98,900ના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોનની ચોરી કર્યાની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, બોરડી સમઢીયાળા ગામમાં રહેતા અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતા રમેશભાઈ વાલજીભાઈ બાબરીયા (ઉં.વ. 57) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 17/06/2026ની રાત્રે આખો પરિવાર જમીને સુઈ ગયો હતો. રમેશભાઈ અને તેમના પત્ની શોભનાબેન ઘરની મેડી ઉપર સુતા હતા, જ્યારે તેમનો મોટો દીકરો વિશાલ અને તેની પત્ની નિશાબેન નીચે પોતાના રૂૂમમાં સુતા હતા. તેમજ રમેશભાઈના વૃદ્ધ માતા-પિતા ફળિયામાં સુતા હતા. તારીખ 18/06/2026ની વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દીકરા વિશાલે મેડી પર જઈ માતા-પિતાને જગાડ્યા હતા અને જણાવ્યું હતું કે તેના રૂૂમમાં કબાટના દરવાજા ખુલ્લા છે અને સામાન વેરવિખેર પડ્યો છે તથા તેનો મોબાઇલ અને પાકીટ ગાયબ છે. પરિવારે નીચે આવીને તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

તસ્કરો દીકરાના રૂૂમમાંથી બે મોબાઇલ ફોન અને રૂૂ. 2,900 ની રોકડ સાથેનું પાકીટ અને ટેબલ પરથી સોનાની બે વીંટીઓ ચોરી કરી હતી. આ ઉપરાંત, રૂૂમમાં સુતેલી પુત્રવધૂ નિશાબેનના કાનમાંથી સોનાની બુટ્ટી, ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને પગમાંથી ચાંદીના સાંકળા પણ કોઈ સાહેદી વગર ચાલાકીથી ઉતારી લીધા હતા. બાદમાં પરિવારે તેમના બીજા રૂૂમમાં તપાસ કરતા, ત્યાંના કબાટના લોકરમાં રાખેલો આશરે 2 તોલાનો સોનાનો ચેઈન અને રૂૂ. 20,000 ની રોકડ રકમ પણ ગાયબ હતી. આમ, કુલ મળીને રૂૂ. 1,98,900 ની મત્તાની ચોરી થઈ હતી.

આ ચોરીમાં પરિવારને પ્રથમ ઘરના જ કોઈ સભ્યો પર શંકા ગઈ હતી અને સોનાના દાગીનાના બિલ પણ હાથવગા ન હોવાથી, તેઓ પોતાની રીતે તપાસ કરી રહ્યા હતા. પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે ગામના સરપંચ પ્રિતેશભાઈ બુટાણી અને અન્ય અગ્રણીની સલાહથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેતપુર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ બી.ડી.ઝાલાને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *