RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ

  27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01…

 

27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, “સેવા હી સંકલ્પ” ના ધ્યેય હેઠળ, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર, રાજકોટ કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF એ વિવિધ અભિયાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે.આ સમયગાળા દરમિયાન, રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરો, રેલવે પરિસર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સુનિશ્ચિત કરીને અનેક મહત્વપૂર્ણ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.

ઓપરેશન અનામત અભિયાન અંતર્ગત મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં RPF એ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26માં 352 મુસાફરોનો અંદાજે ₹38,98,484 ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો.ઓપરેશન નન્હે ફરિસ્તે અભિયાન હેઠળ 27 એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ કોઈ કારણસર સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા.ઓપરેશન ડિગ્નિટી અભિયાન અંતર્ગત 12 વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્વજનોથી અલગ થઈ ગયા હતા.ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના 35 કેસોમાં 103 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન સમય પાલન: રેલ વ્યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના 446 કેસ નોંધાયા હતા અને 441 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન RPFની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

રાજકોટ રેલવે ડિવિઝનને એક વર્ષમાં ટિકિટ ચેકિંગ દ્વારા 10.95 કરોડની આવક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને સઘન ચેકિંગના પરિણામે, રાજકોટ ડિવિઝને આ વર્ષે ટિકિટ ચેકિંગ દ્વારા ₹10.95 કરોડની આવક પ્રાપ્ત કરી છે. જે ગત નાણાકીય વર્ષમાં મળેલી ₹6.50 કરોડની આવકની સરખામણીએ 68.23% વધુ છે. વર્ષ 2025-26માં વગર ટિકિટ/અનિયમિત ટિકિટના કુલ 1,50,681 કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે નોંધાયેલા 95,011 કેસની સરખામણીમાં 58.59% વધુ છે. જેમાં વગર ટિકિટ મુસાફરીના 73,618 કેસમાંથી ₹6.85 કરોડ, ઊંચી શ્રેણીમાં મુસાફરી કરી રહેલા 71,427 મુસાફરો પાસેથી ₹4.066 કરોડ, ઓવર ટ્રાવેલિંગના 833 કેસમાંથી ₹2,51,955 અને બુક ન કરાવેલા સામાનના 212 કેસમાંથી ₹20,120ની આવક પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *