શાપર દરબારગઢમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી, અઢી કરોડની લૂંટ

એકલા રહેતા મોભીને બંધક બનાવી રૂા.2.47 કરોડની રોકડ, સોનું અને રાઈફલ લૂંટી સાત બુકાનીધારી ફરાર: રાત્રે દોઢ વાગ્યે બનેલી સનસનાટીભરી ઘટના રાજકોટ નજીક શાપરના રાજવી…

એકલા રહેતા મોભીને બંધક બનાવી રૂા.2.47 કરોડની રોકડ, સોનું અને રાઈફલ લૂંટી સાત બુકાનીધારી ફરાર: રાત્રે દોઢ વાગ્યે બનેલી સનસનાટીભરી ઘટના

રાજકોટ નજીક શાપરના રાજવી પરિવારના દરબારગઢમાં લુંટારૂૂ ટોળકી ત્રાટકી હતી. શાપર રાજવી પરિવારના મોભીને બંધક બનાવી લુંટારાઓ રૂૂ.2.47 કરોડની રોકડ તેમજ 2 લાખના દાગીના અને એક પરવાનાવાળી રાયફલ લુંટ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં જીલ્લા પોલીસ વડા તેમજ ગોંડલ ડીવાયએસપી સહિતની પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી છે. આ લુંટમાં પાંચ થી સાત શખ્સો સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, શાપરમાં દરબારગઢમાં મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હોય ત્યારે જીતેન્દ્રસિંહ ઘરમાં એકલા હતા, ત્યારે 5થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખસો ઘરના પાછળનો દરવાજો તોડી અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી લીધા હતા અને ઘરમાં રાખેલી માતબર રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક વિગતો અનુસાર, લૂંટારુઓ ઘરમાંથી 2.47 કરોડ રૂૂપિયા રોકડા અને આશરે 5થી 7 તોલા સોનાના દાગીના તેમજ જીતેન્દ્રસિંહની પરવાનાવાળી રાયફલ લુંટી ફરાર થઇ ગયા હતા. ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા જેઓ શાપર રાજવી ગીરસદાર પરિવાર છે, તે ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેથી ઘરમાં આટલી મોટી રકમ રાખવામાં આવી હોવાનું મનાય છે.કરોડોની લૂંટની આ ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી ઝાલા, શાપર વેરાવળના પી.આઈ આર.બી.રાણા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ મામલે જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફારીયાદને આધારે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

શાપર વેરાવળમાં દરબારગઢમાં રાજવી પરિવારના ઘરે ત્રાટકેલા લુંટારૂઓએ રાજવી પરિવારના મોભીને બંધક બનાવી અઢી કરોડની લુંટ ચલાવ્યા બાદ આ બાબતે જિતેન્દ્રસિંહે પોતાના પુત્રને અને પોલીસને જાણ કરી હતી. રાજકોટ ખાતે રહેતા તેમના પુત્ર તથા પોલીસ અધિકારીઓ આ બનાવની જાણ થતા શાપર ખાતે આવેલા દરબારગઢ ખાતે દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ લુંટની ઘટનાના કલાક બાદ લુંટારૂઓની માહિતી મેળવવા માટે દરબારગઢમાંથી જ ડ્રોન ઉડાડયું હતું. જોકે પોલીસના ડ્રોનમાં લુંટારૂઓની કોઇ માહિતી કે ફુટેજ મળ્યા ન હતા. દરબારગઢમાં રાજવી પરિવારની પરવાનાવાળી બાર બોરની બંધુક અને એક રાઇફલ હતી. જેમાંથી રાઇફલ લુંટારૂઓ ઉઠાવી ગયા હતા. મોઢે બુકાની પહેરી આવેલા પાંચથી સાત લુંટારૂઓમાં બે લુંટારૂઓએ રાજવી પરિવારના મોભી જિતેન્દ્રસિંહને પછાડીને લોખંડનો સળીયો છાતી ઉપર રાખી દીધો હતો અને ટોળકીના અન્ય સભ્યોએ ઘરમાં રાખેલા સામાનને વેર વિખેર કરી રોકડ અને સાત તોલા દાગીના તેમજ રાયફલની લુંટ ચલાવી હતી.

આ ઘટના બાદ આજે સવારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. રેન્જ આઇજીએ જાતે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે તાત્કાલીક ટીમની રચના કરી સૌરાષ્ટ્રભરમાં અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવા આદેશ આપ્યો હતો.

લૂંટારૂ ટોળકીને પકડવા LCB, SOG અને શાપર-વેરાવળની પાંચ ટીમ કામે લાગી
શાપરના રાજવી પરિવારના દરબારગઢ બનેલી અઢી કરોડની લુંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા અલગ અલગ ટીમની રચના કરી લુંટારૂૂનું પગેરૂૂ મેળવવા તપાસ શરૂૂ કરી છે. આ લુંટનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક શાપર વેરાવળ પોલીસ તેમજ એલસીબી,એસઓજી તેમજ ડીવાયએસપી ની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને બુકાનીધારી સાત શખસોની શોધખોળ આદરી છે. ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટારુઓ કઈ તરફ ભાગ્યા છે તેની કડી મેળવવા માટે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. આટલી મોટી રકમની લૂંટ પાછળ કોઈ જાણભેદુનો હાથ છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *