શહેર પોલીસનો ભય ફરીવાર ઘટ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી લુખ્ખાઓ બેફામ બન્યાં છે. નાગેશ્વરમાં જાહેરમાં થયેલ ફાયરીંગ બાદ સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે જે.પી.ટુ. આવાસના સિક્યુરિટી ગાર્ડ પાસેથી મોબાઈલ ઝુંટવી જીવલેણ હુમલાનો બનાવ સામે આવતાં ચકચાર જાગી છે. જે અંગે માલવીયાનગર, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની ટીમોએ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વિગતો મુજબ, સહકાર મેઈન રોડ પર શ્રી નગર શેરી નં.4 માં રહેતાં કમલેશભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉં.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સવા બે વર્ષથી શ્રી રાજ સિક્યુરિટીમાં પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઈ તા. 10 ના રાત્રિના દસ વાગ્યે નોકરીના સ્થળ ઉપર જે.પી.ટુ. આવાસના નવા બનતા બિલ્ડીંગ જે સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી ઉપર આવેલ હતાં. તેઓ સાઇટ ઉપર ચોકીદારી કરતો હતો તે દરમ્યાન તા. 11 ના હાજર હતા તે વખતે એક અજાણ્યો માણસ પાસે આવેલ અને જણાવેલ કે, કાકા કેટલા વાગ્યા ટાઈમ જોઈ દયો, જેથી હાથમાં રહેલ મોબાઈલ ફોનમાં ટાઈમ જોઈને આ અજાણ્યા માણસને જણાવેલ કે, ભાઈ અત્યારે 02/36 વાગ્યા છે. જેથી અજાણ્યા માણસે તરત જ હાથમાં રહેલ મોબાઇલ ફોન જુટવીને લઈ લીધેલ અને તે દોડતો-દોડતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સામે જતો રહેલ અને ત્યાં બીજા બે અજાણ્યા માણસો બાઈક લઈને ઉભા હતા, તે બાઈકમાં તે બેસી ગયેલ હતો.
તેમજ ત્રણેય શખ્સો બાઈકમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર જતા રહેલ હતા અને આ વખતે સાઇટની સામે શિલ્પા જવેલર્સમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ વિરેન્દ્રસિંહ પરમાર ત્યાં હાજર હોય તેમને ઘટના જણાવેલ હતી. જેથી વિરેન્દ્રસિંહ પરમારના બાઈકમાં બંને મોબાઇલ ફોન લૂંટી જનાર બાઈક ચાલકનો પીછો કરેલ તે દરમ્યાન કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સંકલ્પ સિદ્ધ હનુમાનજી દાદા મંદિર પાસે પહોંચતા તે શખ્સને ફરીયાદી ઓળખી ગયેલ જેથી બૂમ પાડતા આ અજાણ્યા શખ્સો મહિલા કોલેજ વૈશાલીનગર તરફ જવાના રસ્તા પાસે ઊભા રહેલ હતા.
તેઓ તરત જ તેમની પાસે ગયેલ અને આ મોબાઇલ ફોન લૂંટી જનાર શખ્સને જણાવેલ કે, મારો મોબાઇલ પાછો આપી દે, તો આ અજાણ્યો માણસ બાઈકમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલ કોઈ ધારદાર હથિયાર વડે જમણા હાથના કાંડાના ભાગે, બગલના ભાગે અને ડાબા હાથના ખભાના ભાગે ઇજા પહોંચાડેલ હતી. ફરીયાદીને ઈજા થતા લોહી નીકળવા લાગતા તેઓ નીચે પડી ગયેલ હતાં.જેથી સાથેના વિરેન્દ્રસિંહ પરમાર પાસે આવી આ અજાણ્યા માણસો બાઈકમાં ભાગી ગયેલ હતા.ત્યારબાદ ફરીયાદીને લોહી નીકળતું હોઈ જેથી વિરેન્દ્રસિંહ પરમારે 108 એમ્બ્યુલન્સ બોલાવી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ વધુ સારવારમાં ખાનગી હોસ્પિટલ ખાતે લાવેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂૂ કરી છે.
