સાંઢિયા પુલના કામનો માર્ગ મોકળો, રેલવેએ બ્લોક ફાળવ્યા

સેન્ટ્રલ પોર્શનના 300 ટનના 7 સ્ટીલ ગર્ડર સહિતના મટિરિયલની રેલવે વિભાગ દ્વારા ચકાસણી શરૂ રાજકોટ શહેરના જામનગરના રોડ સાથે જોડતાં સાંઢીયા પુલનું કામ ઘણા સમયથી…

સેન્ટ્રલ પોર્શનના 300 ટનના 7 સ્ટીલ ગર્ડર સહિતના મટિરિયલની રેલવે વિભાગ દ્વારા ચકાસણી શરૂ

રાજકોટ શહેરના જામનગરના રોડ સાથે જોડતાં સાંઢીયા પુલનું કામ ઘણા સમયથી ચાલુ છે. ગત સપ્તાહે રેેલવે વિભાગે ગર્ડર ચડાવવાની મંજુરી આપ્યા બાદ બ્લોક સમય ફાળવવાનું બાકી રાખ્યું હતું.
ટ્રેનની અવરજવરના ટાઈમટેબલ મુજબ હવે રેલવે વિભાગે બ્લોકની ફાળવણી કરતાં ટૂંક સમયમાં 7 ગર્ડર ચડાવવાનું કામ શરૂ કરવામાં આવશે. જેના લીધે સમય મર્યાદા પહેલા પુલ શરૂ થવાની શકયતા જોવાઈ રહી છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર સાંઢીયા પુલના સ્થાને નિર્માણાધિન નવા ફોરલેન રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું 88 કામ પૂર્ણ થયું છે ત્યારે હવે બાકી રહેતું 12 ટકા કામ દોઢ મહિનામાં પૂર્ણ થઇ જાય તો એપ્રિલ માસમાં પુલનું લોકાર્પણ કરવા આવે તેવી પ્રબળ શક્યતા છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદ્દત તો જૂન-2026 છે પરંતુ કામ સમયસર ચાલ્યું હોય બે મહિના વહેલું પૂર્ણ થશે.

મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હવે રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનનું કામ શરૂૂ થયું છે જેમાં રેલવેએ ટ્રેન પસાર થતી ન હોય તેવો બ્લોકનો સમય તેમજ અન્ય જરૂૂરી મંજૂરી આપી દેતા કામ આગળ ધપ્યું છે. હવે સેન્ટ્રલ પોર્શનમાં 300 ટનના સાત સ્ટીલ ગર્ડર મૂકવામાં આવશે. ગર્ડર લોન્ચિંગ પૂર્વે ગર્ડર સહિતના દરેક બાંધકામ મિટિરિયલની રેલવે દ્વારા તેના સેફ્ટી સ્ટાન્ડર્ડ અનુસાર સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

પુલનું કામ ચાલુ હોવાના કારણે જામનગર રોડ ઉપર પુલ વિસ્તાર બંધ કરી રહેણાંક તેમજ શહેરના રાજમાર્ગો ઉપર રોડ ડાયવર્ઝન અપાયું છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે, ખાસ કરીને રાજકોટથી જામનગર તરફ જતી તમામ એસટી બસો યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ અને 150 ફૂટ રિંગ રોડ થઇ માધાપર ચોકડીએ પહોંચતી હોય દરરોજ 200 જેટલી એસટી બસ તેમજ અન્ય ભારે વાહનો શહેર વચ્ચેથી પસાર થતા હોય ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે. પુલ પ્રોજેક્ટ સમગ્ર શહેરના ટ્રાફિકને પ્રભાવિત કરી રહ્યો છે.

તદઉપરાંત પુલથી આગળના રહેણાંક વિસ્તારના રહીશો માટે ભોમેશ્વરમાંથી ડાયવર્ઝન અપાયું હોય આ રહેણાંક વિસ્તારમાં પણ દિવસભર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વ્હેલી તકે પુલનું કામ પૂર્ણ થાય અને રસ્તો પૂર્વવત થાય તેમ નાગરિકો ઇચ્છી રહ્યા છે. સાંઢીયા પુલનું નામકરણ કરવા પણ વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા છે. પુલનું લોકાર્પણ જો મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તો વોર્ડ નં.2 અને વોર્ડ નં.3 તેમ બે વોર્ડમાં ફાયદો થાય તેમ હોય ચૂંટણી પૂર્વે લોકાર્પણ થાય માટેનો પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *