અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપર ‘વળતર’નું જોખમ

સરકારે વળતરની રકમ વધારી દેતા રૂા.40 હજાર કરોડનો નવો બોજ વધ્યો, કંપનીએ હાઇકોર્ટમાં હાથ ઉંચા કર્યા ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે…

સરકારે વળતરની રકમ વધારી દેતા રૂા.40 હજાર કરોડનો નવો બોજ વધ્યો, કંપનીએ હાઇકોર્ટમાં હાથ ઉંચા કર્યા

ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જમીન સંપાદનના વળતરને લઈને એક નવો મોટો પડકાર આવી ઊભો રહ્યો છે. આ પ્રોજેક્ટના મુખ્ય નિર્માતા હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ હવે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમની અરજી અનુસાર, જો જમીન સંપાદન, પુનર્વસન અને પુન:સ્થાપન સત્તામંડળ (LARRA ) દ્વારા નક્કી કરાયેલું વધેલું વળતર ચૂકવવામાં આવે, તો પ્રોજેક્ટ પર આશરે ₹40,000 કરોડનો વધારાનો બોજ પડી શકે છે, જેનાથી ₹1.10 લાખ કરોડના આ આખા પ્રોજેક્ટનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે તેમ છે.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે LARRA દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વળતરના આદેશોમાં જે સુધારો કરવામાં આવ્યો છે, તેનાથી પ્રોજેક્ટના ખર્ચમાં બહુ મોટો વધારો થશે. તેમણે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ’જો આ વધારાનું આર્થિક ભારણ પ્રોજેક્ટ પર નાખવામાં આવશે, તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધવો મુશ્કેલ બની જશે.’

હાઇકોર્ટે હાલમાં સુરત અને ભરૂૂચ જિલ્લા સાથે જોડાયેલા 3 કેસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મેનેજમેન્ટની અપીલ સ્વીકારી લીધી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટના રોજ થવાની છે, જેમાં અદાલત LARRA ના આદેશ પર વચગાળાની રોક લગાવવી કે નહીં તે અંગે નિર્ણય કરી શકે છે. આ સાથે જ કોર્ટે પ્રોજેક્ટ ઓથોરિટીને એ પણ પૂછ્યું છે કે તેઓ વળતરની રકમમાંથી કેટલા પૈસા જમા કરાવવા માટે તૈયાર છે.
આ વિવાદ ભરૂૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓચ્છન ગામની જમીન સાથે જોડાયેલો છે. વર્ષ 2018માં આ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂૂ થઈ હતી અને 2020માં અધિકારીઓએ વળતરની રકમ 50 રૂૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરી હતી, જેના આધારે એક જમીન માલિકને આશરે 85.8 લાખ રૂૂપિયાનું વળતર મળ્યું હતું.
જોકે, જમીન માલિકે વળતર વધારવાની માંગણી કરતા LARRA એ આ દર વધારીને 660 રૂૂપિયા પ્રતિ ચોરસ મીટર કરી દીધો, જેનાથી તે જમીનનું કુલ વળતર સીધું વધીને આશરે 8.4 કરોડ રૂૂપિયા થઈ ગયું.

બુલેટ ટ્રેન ઓથોરિટીનો આરોપ છે કે LARRA એ વળતર નક્કી કરતી વખતે આસપાસના નજીકના ગામોની જમીનની કિંમતોને ધ્યાનમાં લીધી નથી, પરંતુ 14 કિલોમીટર દૂર આવેલા સિમાર્થા ગામના જમીન વેચાણના દરને આધાર બનાવ્યો છે, જે બિલકુલ યોગ્ય નથી. વહીવટીતંત્રની દલીલ છે કે વળતર હંમેશા આસપાસની સમાન જમીનના સરેરાશ બજાર મૂલ્યના આધારે જ નક્કી થવું જોઈએ. એડવોકેટ જનરલના જણાવ્યા મુજબ, જો આ વળતર ચૂકવવું પડે તો વ્યાજ ઉમેર્યા પછી પ્રોજેક્ટ પર આશરે 40,000 કરોડ રૂૂપિયાનું વધારાનું નાણાકીય ભારણ આવી શકે છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત ગંભીર બાબત છે.

15 ઓગસ્ટ-2027થી પ્રથમ બુલેટટ્રેન દોડશે: રેલમંત્રી
કેન્દ્રીય મંત્રીએ હૈદરાબાદના એક કાર્યક્રમમાં કહ્યું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ જલ્દી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ પરિયોજનાનો પહેલો ફેઝ સુરત થી બિલિમોરા વચ્ચે આવતા વર્ષે શરુ કરી દેવામાં આવશે. ત્યારબાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર શરુ કરવામાં આવશે. રેલવે મંત્રીએ કહ્યું કે, વાપી થી સુરત પછી અમદાવાદ ત્યારબાદ અમદાવાદથી થાણે અને છેલ્લે અમદાવાદથી મુંબઈ સુધીનું સેક્શન શરુ કરવામાં આવશે. 15 ઓગસ્ટ 2027થી ભારતમાં પહેલી વખત બુલેટ ટ્રેન ચાલશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે અને પહેલા ફેઝમાં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *